અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના 11 કોમર્શીયલ તથા 4 રહેણાંક હેતુ માટેના પ્લોટનુ વેચાણ કરી રુપિયા 1823 કરોડની અંદાજિત આવક મેળવવા સ્ટેન્ડિંગ કમિટીએ તાકીદની દરખાસ્ત મંજુર કરી હતી. આગામી સપ્તાહે 27 અને 28 નવેમ્બરના રોજ કોર્પોરેશન હસ્તકના રહેણાંક તથા કોમર્શીયલ પ્લોટની હરાજી કરાશે. જેના વેચાણ થકી રુપિયા 1200 કરોડની અંદાજિત આવક થવાની સંભાવના છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી રહી છે. મ્યુ કોર્પોરેશન કુલ મળીને 28 પ્લોટનું વેચાણ કરી રુપિયા ત્રણ હજાર કરોડ આવક મેળવવા પ્રયાસ કરશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોટેરાના બે, ગોતાના ત્રણ ઉપરાંત હેબતપુરના બે તેમજ મકરબાના ત્રણ, બોડકદેવના બે તથા થલતેજના એક પ્લોટનુ વેચાણ કરવા દરખાસ્ત મંજુર કરાઈ હતી. ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, જે પ્લોટનુ વેચાણ થાય એના પ્લાન 90 દિવસમાં મંજુર કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં 17 રહેણાંક તથા કોમર્શિયલ પ્લોટનુ વેચાણ કરી રુપિયા 1300 કરોડની આવક ઉભી કરવામાં આવી હતી. પ્લોટના વેચાણ માટે જે યાદી નકકી કરાઈ હતી તે પૈકીના દસ પ્લોટ હજુ સુધી વેચાયા નથી. આ વર્ષે પણ શીલજ, આંબલી, મોટેરા, થલતેજ, ગોતા સહિતના પ્લોટ વેચવા કોર્પોરેશને બીડરો પાસેથી ઓફર મંગાવવામાં આવી છે.


