અમદાવાદ : શહેરમાં ફરી એકવાર રક્ષક જ ભક્ષક બન્યા હોવાની શરમજનક ઘટના સામે આવી છે. હાલ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બરકત અલી ચાવડા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. એક 19 વર્ષીય યુવતીએ PI પર લિફ્ટમાં શારીરિક અડપલાં કર્યાનો આરોપ લગાવ્યો છે અને શહેરના આઈ ડિવિઝન (I-Division) ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એન.કે. રબારીને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વેજલપુરમાં એક PI સામે છેડતીની ફરિયાદ કરવામાં આવી છે.આ ઘટના એક બિલ્ડિંગની લિફ્ટમાં બની હતી. ભોગ બનનાર 19 વર્ષીય યુવતીનો આરોપ છે કે, લિફ્ટ બંધ થતાં જ PI બરકત અલી ચાવડાએ તેની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. PI એ યુવતીના ખભા પર હાથ મૂકીને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.PI હાલમાં ગાંધીનગર કંટ્રોલરૂમમાં ફરજ બજાવે છે.
બીજા એક મામલામાં, અમદાવાદમાં ચકચાર મચાવનાર નિકોલ તોડકાંડ પ્રકરણમાં ટ્રાફિક PI એન.કે. રબારીની ભૂમિકા તપાસ હેઠળ હતી. આ કેસની ઇન્ક્વાયરી દરમિયાન તેમણે ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં બેદરકારી બદલ તેમની સામે આ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.શહેરના આઈ ડિવિઝન (I-Division) ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એન.કે. રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગુજરાતની ખાખી પોલીસ શાંતિ, સુરક્ષા અને સેવા માટે ઓળખાય છે, પરંતુ અમદાવાદમાં પોલીસની ખાખીને કલંકિત કરતી ચકચારભરી ઘટનાઓ સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.


