અમદાવાદ : અમદાવાદમાં સોશિયલ મીડિયામાં યુવક સાથે મિત્રતા રાખવી એક વિદ્યાર્થીની ભારે પડી છે. યુવકે વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને ફસાવી હતી અને બાદમાં તેની સાથે ફોટોગ્રાફ્સ પડાવીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. યુવકે વિદ્યાર્થીની પાસેથી ટુકડે ટુકડે કુલ 2.86 લાખ રૂપિયા પડાવી લીધા હતા.આ અંગે વિધાર્થિનીએ યુવક વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૂળ ગીરસોમનાથની અને હાલ અમદાવાદના નવરંગપુરા પાસે રહેતી 21 વર્ષીય હેમાંગી (નામ બદલેલ છે) એ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હેમાંગી હાલ પી.જીમાં રહીને થલતેજમાં આવેલી યુનિવર્સિટીમાં બી.સી.એનો અભ્યાસ કરે છે. 6 મહિના પહેલા હેમાંગીના ઈન્સ્ટાગ્રામ પર કરણ શાહ નામના યુવકે ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. જે રિકવેસ્ટ એક્સેપ્ટ કરતા જ બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.
કરણ શાહે પોતે સુરતમાં રહેતો હોવાની વાત કરી તેની માતા જૂનાગઢના હોવાનું જણાવ્યું હતું. વધુમાં તે પોતે અદાણી પોર્ટમાં નોકરી કરતો હોવાનું જણાવી એક લાખ 10 હજાર રૂપિયા પગાર છે અને તેને ઈન્ચાર્જ તરીકે પ્રમોશન મળ્યું હોવાથી દિવાળી પછી દુબઈની કંપનીમાં જવાનો છે તેમ કહ્યું હતું.યુવતી તેની વાતોમાં આવી જતા એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. મે મહિનામાં કરણ યુવતીને મળવા માટે અમદાવાદના મોલમાં આવ્યો હતો જે બાદ તેણે લગ્ન કરવાનું પ્રપોઝ મુક્યુ હતું. યુવતીએ લગ્ન કરવા માટેની સહમતી બતાવી હતી.
થોડા દિવસ બાદ કરણનો યુવતી પર ફોન આવ્યો હતો અને તેણે બેંકનું એકાઊન્ટ ફ્રીઝ થઈ ગયુ છે જેથી દસ હજાર રૂપિયાની માગંણી કરી હતી. યુવતીએ દસ હજાર રૂપિયા આપ્યા બાદ કરણે વધુ રૂપિયા માંગવાનું શરૂ કર્યુ હતું. આ બાદ કરણ અમદાવાદ યુવતીને મળવા માટે આવ્યો હતો જ્યા તે બન્ને હોટલમાં મળ્યા હતા અને ફોટોગ્રાફ્સ પણ પાડ્યા હતાં. ફોટોગ્રાફ્સની મદદથી કરણે યુવતીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યુ હતું અને રૂપિયાની માગતો રહ્યો હતો.
ઈજ્જત ખરાબ ના થાય તે ડરથી યુવતીએ કરણને રૂપિયા આપવાનું ચાલુ રાખ્યુ હતું. યુવતીએ પોતાના દાગીના ગીરવે મુકીને પણ કરણને રૂપિયા આપ્યા હતા. કરણે યુવતીને રૂપિયા નહી આપે તો આપધાત કરી લઈશ તેવી ધમકીઓ પણ આપી હતી. કરણે યુવતીને વીડિયો કોલ કરીને કપડા કાઢી નાખ્યા હતા અને તેના સ્ક્રીનશોર્ટ પાડી લીધા હતાં. કરણે બ્લેકમેઈલ કરતા યુવતીએ સમગ્ર હકીકત તેના માતા પિતાને જણાવી હતી. જે બાદ યુવતીએ કરણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.


