અમદાવાદ : અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના 673 દિવસ બાદ, PM મોદી અને RSSના વડા મોહન ભાગવતે રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવ્યો. સવારે 11.50 વાગ્યે અભિજીત મુહૂર્તમાં બટન દબાવીને 161 ફૂટ ઊંચા શિખર પર 2 કિલોગ્રામનો કેસરિયો ધર્મધ્વજ લહેરાવા લાગ્યો છે. ભાગવતે વૈદિક મંત્રોચ્ચાર સાથે રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવ્યો છે. આ સાથે, રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા અને હાથ જોડીને ધર્મધ્વજને નમન કર્યા હતા.
અયોધ્યામાં રામલલાના અભિષેક પછી, PM મોદીએ રામ મંદિરે ધ્વજ ફરકાવ્યો હતો. શુભ મુહૂર્ત દરમિયાન બટન દબાવવાની સાથે જ 161 ફૂટ ઊંચા શિખર પર 2 કિલોગ્રામનો ભગવો ધ્વજ લહેરાયો હતો. સમગ્ર દેશવાસીઓ માટે ઉત્સાહની ક્ષણ હતી. આ પછી પીએમ મોદી વિશાળ જનમેદનીને સંબોધન કરી રહ્યા છે.ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સિયાવર રામચંદ્ર કી જય…’ના ઉદ્ઘોષ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આજે અયોધ્યા નગરી દેશની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ઉત્કર્ષ બિંદુની સાક્ષી બની છે. આજે સંપૂર્ણ ભારત અને અને સંપૂર્ણ વિશ્વ રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં આજે અદ્વિતીય સંતોષ અને અપાર અલૌકિક આનંદ છે. સદીઓના ઘા હવે રુઝાઈ રહ્યા છે. સદીઓની વેદનાને આજે વિરામ મળી રહ્યો છે. સદીઓના સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યા છે. આજે તે યજ્ઞની પૂર્ણાહુતિ છે જેની અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી.’
આ શુભ અવસર પર બપોરે 11 વાગ્યાને 52 મિનિટથી 12 વાગ્યાને 35 મિનિટ સુધીનો અભિજીત મુહૂર્ત કાઢવામાં આવ્યો છે. આ 43 મિનિટનો સમય અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વજારોહણ કરશે. સવારથી જ અયોધ્યા રામ-બારાતની ગુંજથી ભરેલી છે. શહેરમાં ઉત્સવનું વાતાવરણ, ભજન-કીર્તન, પુષ્પવર્ષા અને આનંદની લહેરો સતત ફેલાઈ રહી છે.
રામ મંદિરનો કેસરિયો ધ્વજ માત્ર એક કાપડનો ટુકડો નથી, પરંતુ સંપૂર્ણ રામાયણ, સૂર્યવંશની પરંપરા અને અયોધ્યાના સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે. 161 ફૂટ ઊંચા મંદિરના શિખર પર સ્થાપિત 30 ફૂટ ઊંચા ધ્વજદંડ પર લહેરાતો આ ધ્વજ લગભગ 4 કિલોમીટર દૂરથી પણ સરળતાથી દેખાય છે. જ્યારે આકાશમાં તે લહેરાય છે, ત્યારે એવું લાગે છે જાણે હજારો વર્ષોનો ઇતિહાસ, પરંપરાઓ અને રામાયણની દિવ્યતા પવનની દરેક લહેર સાથે ગાન કરતી સમગ્ર વાતાવરણમાં ફેલાઈ રહી હોય.
ધ્વજ પર અંકિત ધાર્મિક પ્રતીકો
રામ મંદિરનો ધ્વજ માત્ર એક કાપડનો ટુકડો નથી, પરંતુ સંપૂર્ણ રામાયણ, સૂર્યવંશની પરંપરા અને અયોધ્યાના સાંસ્કૃતિક વારસાનો સાર છે. આ ધ્વજ પર ત્રણ મુખ્ય ધાર્મિક પ્રતીકો અંકિત છે— સૂર્યનું તેજસ્વી ચિહ્ન, તેની વચ્ચે સ્થિત પવિત્ર ‘ॐ’ અને મર્યાદા તથા રામરાજ્યનું સૂચક કોવિદાર વૃક્ષ. આ ત્રણેય પ્રતીકો મળીને સૂર્યવંશની ગૌરવગાથા, આધ્યાત્મિક ઊર્જા અને રામાયણની દિવ્ય પરંપરાનો એવો અદ્ભુત સમન્વય રચે છે જે આ ધ્વજને માત્ર પ્રતીક નહીં, પણ એક જીવંત આધ્યાત્મિક ઓળખ બનાવી દે છે.
ધ્વજની બનાવટ અને મજબૂતી, કોણે બનાવ્યો છે ધ્વજ?
ધ્વજનું નિર્માણ અમદાવાદના કારીગર કશ્યપ મેવાડા અને તેમની ટીમે કર્યું છે. તેને સંપૂર્ણપણે હાથથી તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં સ્વદેશી તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને બનાવવામાં 25 દિવસ લાગ્યા છે. આ ધ્વજ અત્યંત ખાસ પેરાશૂટ નાયલોન ફેબ્રિકમાંથી બનેલો છે, જે પવનની ગતિ 200 કિમી/કલાક સુધીની હોવા છતાં સુરક્ષિત રહે છે. તેમાં ફાટવાની ક્ષમતા નથી, ન જ તેમાં છિદ્ર થાય છે. તડકો અને વરસાદથી બચાવવા માટે ડબલ કોટેડ સિન્થેટિક લેયર લગાવવામાં આવ્યું છે. આ ધ્વજનું વજન લગભગ 2 થી 3 કિલો છે. કહેવાય છે કે લગભગ 3 વર્ષ સુધી તે ફાટશે નહીં. ધ્વજનું દોરડું પણ વિશેષરૂપે તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટેનલેસ સ્ટીલ અને સિન્થેટિક ફાઇબરથી બનેલું મજબૂત દોરડું તેને દરેક મોસમમાં સુરક્ષિત રાખે છે.


