અમદાવાદ : અમદાવાદ શહેરમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના સૌથી ગીચ ગણાતા ઘી કાંટા વિસ્તારમાં આગની એક મોટી ઘટના સામે આવી હતી. અહીં આવેલી પંચભાઈની પોળમાં એક કાપડની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.લોકોના ટોળા ઘટનાસ્થળે ભેગા થયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ઘી કાંટા વિસ્તારમાં આવેલી પંચભાઈની પોળમાં એક કાપડની દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક એક્શનમાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની 4 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો સતત મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સાંકડી પોળ અને ગીચ વિસ્તાર હોવા છતાં ફાયરની ટીમે આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી.
ભરચક વિસ્તારમાં આગ લાગવાને કારણે સ્થાનિકો અને વેપારીઓમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.કાપડની દુકાનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.


