અમદાવાદ : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા થયા બાદ શાળાની જમીન અને મંજૂરીને લઈને સર્જાયેલા વિવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા દ્વારા લીઝની શરતોના ભંગ બદલ AMC દ્વારા ભાડાપટ્ટે આપવામાં આવેલો પ્લોટ પરત લેવા માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.TP કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ શાળાને ત્રણવાર નોટિસ આપ્યા બાદ પણ શાળા તરફથી જરુરી ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા નથી. હવે COPની પ્રોસિજર કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હવે સ્કૂલનો પ્લોટ પરત લેવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સ્કૂલને ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી અને 21 નવેમ્બરની અંતિમ ડેડલાઇન અપાઈ હતી. તેમ છતાં, સ્કૂલ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ ન કરાતા કે કોઈ જવાબ ન અપાતા, મનપા હવે પ્લોટ પાછો લેશે. મહત્વનું છે કે શાળા પરિસર નજીક એક વિદ્યાર્થીની હત્યાના પગલે સેવન્થ ડે સ્કૂલ ચર્ચામાં આવી હતી અને શાળાની ગેરરીતીઓ પર લોકોની નજર પડી હતી.
25 નવેમ્બરના રોજ મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની બેઠકમાં સેવન્થ ડે સ્કૂલને આપવામાં આવેલો પ્લોટ પરત લેવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. TP કમિટીના ચેરમેન પ્રીતિશ મહેતાએ જણાવ્યું હતું કે, સ્કૂલને લીઝની શરતોનો ભંગ કરવા સહિતના વિવિધ મામલે અત્યાર સુધીમાં ત્રણ વાર શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી, તેમ છતાં સ્કૂલના સંચાલકો તરફથી કોઈ સંતોષકારક જવાબ કે જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી.
સેવન્થ ડે સ્કૂલને AMC ના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા સેવન્થ ડે સ્કૂલની જગ્યા ભાડે પટ્ટે આપવામાં આવી હતી જેની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક હેતુ માટે જે નામથી જગ્યા ફાળવવામાં આવી છે તેના દ્વારા શિક્ષણ આપવામાં આવતું નથી અન્ય સંસ્થા દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો હતો.


