અમદાવાદ : ગાંધીનગરમાં ઝુંડાલ રોડ પર વહીવટી તંત્ર દ્વારા રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અડાલજ-ઝુંડાલ રોડ પર આવેલા બાલાપીર સર્કલ નજીક બાલાપીર દરગાહનું મુખ્ય રોડ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા બુધવારે (26 નવેમ્બર) વહેલી સવારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ દબાણ આશરે 100 વાર જેટલું અને વર્ષો જૂનું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વહીવટી તંત્ર દ્વારા રોડ પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે અડાલજ-ઝુંડાલ રોડ પર બાલાપીર સર્કલ નજીક સ્થિત આ ધાર્મિક દબાણ મુખ્ય રોડ પર હતું. કોઈ અનિચ્છનીય બનાવ કે વિરોધ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહીનું ગુપ્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે મામલતદાર સહિતના તમામ સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ સંઘર્ષની સ્થિતિ ઊભી ન થાય.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરમાં ધાર્મિક દબાણો હટાવવાની આ બીજી મોટી કાર્યવાહી છે. થોડા દિવસો અગાઉ પણ પોલીસ રક્ષણ હેઠળ પાટનગર યોજના વિભાગ દ્વારા સેક્ટર-30 સર્કલ પાસે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં બે ધાર્મિક તેમજ સાતેક ગેરકાયદેસર કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આજના દબાણ હટાવવાની કામગીરી દ્વારા વહીવટી તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, જાહેર માર્ગોના વિકાસમાં ગેરકાયદેસર દબાણો ભલે તે ધાર્મિક હોય તે ચલાવી લેવામાં આવશે નહીં.
મહત્વનું છે કે, વહીવટી તંત્ર દ્વારા સરકારી જગ્યાઓમાં ગેરકાયદે રીતે થયેલા બાંધકામો સામે આકરા એક્શન લેવાઈ રહ્યા છે. રાજ્યભરમાં અનેક સ્થળો પર તંત્ર પોતાનું બુલડોઝર ફેરવી રહ્યું છે. ત્યારે હવે અડાલજ વિસ્તારમાં આવેલ બાલાપીર દરગાહ તોડી પાડવામાં આવી હતી.


