અમદાવાદ : અમદાવાદના લોકોને ટૂંક સમયમાં જ એક મોટી ભેટ મળવા જઈ રહી છે. અહીં કાલુપુર રેલવે સ્ટેશનના નામથી જાણીતું રેલવે સ્ટેશન ભારતનું સૌથી ઊંચું 16 માળના મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે 24 હજાર કરોડના ખર્ચે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. 35 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબમાં પાર્કિંગથી લઈને, ઓફિસ અને એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ હશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ રેલવેના ડીઆરએમ વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, અમદાવાદ સ્ટેશન વિશ્વના સૌથી મોટા સ્ટેશન ડેવલપમેન્ટનો એક ભાગ છે. તેમાં 16 માળની બિલ્ડિંગ બનવાની છે, જેનો 15 માળનો ભાગ બનીને તૈયાર થઈ ગયો છે. નીચે બે અંડરગ્રાઉન્ડ અને ઉપરના બે માળના પિલર પણ બની ગયા છે. સ્ટેશન સુધી આવવા માટે એલિવેટેડ રોડ પણ બનીને તૈયાર થઈ ગયા છે.
ડીઆરએમએ જણાવ્યું હતું કે, અહીં બેથી ત્રણ લાખ લોકો સરળતાથી આવ-જા કરી શકશે. આ એક સંપૂર્ણ મોડલ હશે, એટલે કે પછી ભલે મેટ્રો, બસ કે બુલેટ ટ્રેનમાં જવું હોય, તે અહીંથી કનેક્ટ થશે. ઠેર-ઠેર એસ્કેલેટર, સીડીઓ અને લિફ્ટ લગાવવામાં આવશે, જેનાથી કોઈને કોઈ મુશ્કેલી નહીં થાય.આ સ્ટેશનનું પુનર્નિર્માણ કાર્ય વર્ષ 2027 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. અહીં મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળશે. આ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ રેલ, મેટ્રો, બસ અને બુલેટ ટ્રેનના નેટવર્ક સાથે જોડાયેલું હશે.
આ સ્ટેશન પર ત્રણ હજાર વાહનોના પાર્કિંગની વ્યવસ્થા હશે. આ ઉપરાંત, તેમાં ઓફિસો, હોટલ, ગાર્ડન અને મોર્ડન મોલ પણ બનાવવામાં આવશે. આ સ્ટેશનના ગ્રાઉન્ડ લેવલ પર પરંપરાગત ટ્રેન હશે. જ્યારે, અંડરગ્રાઉન્ડ લેવલ પર સબવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અપર લેવલથી બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી કરવામાં આવી રહી છે.


