અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) હવે સમય અને ટેક્નોલોજી સાથે તાલ મિલાવીને વિદ્યાર્થીઓ માટેના કન્સેશન પાસની પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરી રહી છે. આ નવીન સેવાનો અમલ આગામી 1લી ડિસેમ્બરથી કરવામાં આવશે.અત્યાર સુધી વિદ્યાર્થીઓને કન્સેશન પાસ મેળવવા માટે AMTSના વિવિધ સેન્ટરો પર રૂબરૂ જઈને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ હવે આ ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMTS દ્વારા આ સુવિધા AMCની ‘i-pass’ નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા પૂરી પાડવામાં આવશે. વિદ્યાર્થીઓ આ એપ્લિકેશન પર પોતાનું ફોર્મ ડાઉનલોડ કરીને જરૂરી પુરાવાઓ અપલોડ કરી શકશે. OTP સહિતની પ્રક્રિયાની તમામ ખરાઈ થયા બાદ, AMTSના અધિકારી સિસ્ટમમાંથી જ તેને મંજૂરી આપશે. મંજૂરી મળ્યા બાદ વિદ્યાર્થી પોતાનો ડિજિટલ પાસ ડાઉનલોડ કરી શકશે અને મુસાફરી દરમિયાન સરળતાથી તેનો ઉપયોગ કરી શકશે.આ નવી શરૂઆતથી અંદાજે 50 હજારથી વધુ વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.
જોકે, વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને AMTS દ્વારા અગાઉની ફિઝિકલ પાસની સુવિધા પણ યથાવત રાખવામાં આવી છે. આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના સેંકડો મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો સમય અને શક્તિ બચશે.જો વિદ્યાર્થી AMTS અને BRTS બંનેમાં મુસાફરી કરતો હોય તો બંનેના પાસ કઢાવી શકશે.


