અમદાવાદ: તાજેતરમાં શરૂ કરવામાં આવેલી SIRની કામગીરીનો ઉપયોગ પોલીસે નાસતા ફરતા આરોપીને પકડવામાં કર્યો છે. બે વર્ષ પહેલા નરોડા વિસ્તારમાંથી એક યુવક સગીરાને લગ્નના ઇરાદે ભગાડીને લઇ ગયો હતો. જે અંગે નરોડા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે પોલીસને શરૂઆતથી આશંકા હતી કે આ જ આરોપી સગીરાને ભગાડીને લઇ ગયો છે. પરંતુ શાતિર આરોપી છેલ્લા બે વર્ષથી પોલીસથી બચવા માટે નાસતો ફરતો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નરોડા પોલીસની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી હતી. જે અંતર્ગત વર્ષ 2023માં નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં સગીર દીકરીને ભગાડી જનાર શખ્સની શોધખોળ ચાલી રહી હતી. આ ગુનામાં આરોપી રોહિત ઠાકોર છેલ્લા બે વર્ષથી ફરાર હતો.પોલીસને આરોપી રોહિતના પિતા શનાજી ઠાકોરનો મોબાઈલ નંબર મળ્યો હતો.
એક પોલીસ કોન્સ્ટેબલ પરેશકુમાર રાજુભાઈએ શનાજીને ફોન કરીને જણાવ્યું કે તેઓ કલેક્ટર ઓફિસમાંથી BLO તરીકે બોલી રહ્યા છે અને ચૂંટણી કાર્ડ કઢાવવા માટે ફોર્મ ભરવું પડશે. પોલીસકર્મીએ ઘરમાં સભ્યોની સંખ્યા જેવી વિગતો પૂછીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. બાદમાં, તેમને દીકરા રોહિતના લગ્ન વિશે પૂછપરછ કરી અને તેનો મોબાઈલ નંબર માંગ્યો હતો.આરોપીના પિતાએ તેમના મોબાઈલમાંથી રોહિત ઠાકોરનો નંબર આપી દીધો હતો.
ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ પરેશકુમાર રાજુભાઈએ રોહિતના પિતાનો નંબર મેળવીને પોતે કલેક્ટર ઓફિસથી BLO બોલી રહ્યા હોવાની ઓળખ આપી હતી અને તમારે ચૂંટણી કાર્ડ કઢાવવું હોય તો ફોર્મ ભરવું પડશે, એમ કહીને તેના પરિવારજનોની વિગત માંગી હતી.જેના આધારે તપાસ કરતા મહેસાણાના શોભાસણ ગામની એક સિરામિક કંપનીનું લોકેશન મળી આવ્યું હતું. પોલીસની એક ટીમ મહેસાણા ખાતે મોકલી આપતા રોહિતની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
નરોડા પોલીસ સ્ટેશનના PI પી.વી ગોહિલે જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સગીરાને મેડિકલ હોસ્પિટલ મોકલવામાં આવી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


