અમદાવાદ : શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનના ધાબેથી કૂદીને એક આધેડે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. દંપતી વચ્ચેના ઝઘડામાં પુત્રએ પિતા સમક્ષ પોલીસ ફરિયાદ નોંધાવતા જેનું માઠું લાગી આવતા આધેડે પોલીસ સ્ટેશનના ધાબેથી કૂદકો માર્યો હતો. જોકે, પોલીસકર્મીઓ દ્વારા તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડામાં વેલજીભાઇના કૂવા પાસે રહેતા સુરેશભાઇ બદાણીની શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ તેમની પત્ની સાથે કોઈ પારિવારિક કારણોસર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ તેમના પુત્ર પિયુષભાઇએ તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી. આ પછી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં સુરેશભાઇ સામે તેમના પત્ની અને બે પુત્રોએ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસકર્મીઓ પરિવારના ચારેય સભ્યોને વધુ કાર્યવાહી માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.
જ્યાં ફરીથી દંપતી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેના કારણે પુત્રએ પિતા સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ વાતનું દુ:ખ લાગી આવતા સુરેશભાઈ ચાંદખેડા પોલીસ સ્ટેશનના ધાબા પર જઈને ત્યાંથી કૂદી ગયા હતા. ધડાકાભેર અવાજ આવતા પોલીસકર્મીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. જ્યાં સુરેશભાઈ લોહીલુહાણ હાલતમાં હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે, સારવાર દરમિયાન સુરેશભાઈનું મોત નિપજ્યું હતું. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


