અમદાવાદ : અમદાવાદમાં સ્માર્ટ સિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદમાં શહેરીજનોની સુરક્ષા મોટો પ્રશ્ન બની રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી અને તૂટી પડેલી ડ્રેનેજ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. તાજેતરમાં નરોડા વિસ્તારમાં બનેલી દુઃખદ ઘટના ફરી એકવાર આ પ્રશ્નને ચરમસીમાએ લઈ ગઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા A વોર્ડના રોડ પરના ગટરના ઢાંકણાના ખાડાના કારણે આધેડનું મોત થયું છે. રાત્રિ દરમિયાન વાહન લઈને પસાર થતાં ખાડામાં વાહન પડતા તેઓ સ્લીપ થઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. સ્થાનિક નાગરિકો દ્વારા આ ખાડાને રીપેરીંગ કરવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ વખત ફરિયાદ કરી હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું અને એક અઠવાડિયા બાદ ખાડાના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ઘટના પછી, કોર્પોરેશનનાં કર્મચારીઓએ તરત તૂટેલી ડ્રેનેજને કોર્ડન કરી દીધી, પરંતુ વિસ્તારના નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કહે છે કે મૃત્યુ થયા પછી તંત્ર જાગે છે. જો સમયસર ડ્રેનેજનું કામ થયું હોત તો નિર્દોષ વ્યક્તિનો જીવ બચી શક્યો હોત.આ પહેલી ઘટના નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ડ્રેનેજમાં પડીને અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે અને કેટલાંકનાં મૃત્યુ પણ થયા છે. છતાં તંત્ર દ્વારા સ્થાયી અને ઝડપી કામગીરી કરવામાં આવી રહી નથી, એવી ટીકા થઈ રહી છે.
સ્માર્ટ સિટી બનવાની દોડમાં અમદાવાદ આગળ વધી રહ્યું છે. પરંતુ નાગરિકોની સુરક્ષા જેવી મૂળભૂત જવાબદારી પૂરી કર્યા વગર વિકાસના દાવા અધૂરા જ લાગે છે.


