અમદાવાદ : ગઈકાલે અમદાવાદમાં વિજય ચાર રસ્તા નજીકની સુભાષ સોસાયટીમાં પતિએ પત્ની સાથેના ઝઘડાના કારણે સસરાના ઘરની બહાર જઈને બે અલગ અલગ હથિયાર વડે છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ કેસમાં પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીનું હથિયાર રદ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ પોલીસ તપાસમાં, ગઈકાલે બપોરે 3:30 વાગ્યાની આસપાસ વિજય ચાર રસ્તા પાસેની સુભાષ સોસાયટીના બંગલા નંબર 16ની બહાર મનહરભાઈ સોનીના જમાઈ રાહુલ સોનીએ ધડાધડ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.આ પછી સસરા મનહરભાઈએ 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આરોપી રાહુલને નશો કરેલી હાલતમાં ઝડપી લીધો હતો. તેની ગાડીમાંથી એક 12 બોર રાઇફલ અને એક રિવોલ્વર સહિત બે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. રિવોલ્વરમાંથી બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી અને હથિયાર સાથે ફાયરિંગ કરનાર રાહુલ સોનીની ધરપકડ કરી હતી.રાહુલ જ્યારે હથિયાર લઈને પહોંચ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો.
પોલીસ તપાસમાં રાહુલ સોનીના બેકગ્રાઉન્ડને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, તેની સામે વર્ષ 2018માં આનંદનગર, સેટેલાઈટ અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, આનંદનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ તેના પર ‘આર્મસ એક્ટ’ હેઠળ બે ગુના દાખલ થયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે.


