અમદાવાદ : અમદાવાદમાં વેપારીઓ થઇ જજો સાવધાન, સતત બીજા અઠવાડિયે શોરૂમમાંથી મહિલા દ્વારા ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ગોતા વિસ્તારના એક જ્વેલર્સની દુકાન નિશાન બની છે. દાગીના ખરીદવાના બહાને આવેલી 50 વર્ષની એક અજાણી મહિલાએ કર્મચારીઓની નજર ચૂકવીને આ ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના શોરૂમના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અંગે સેલ્સમેને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સેલ્સમેનની ફરિયાદ મુજબ, ગત તારીખ 28-11-2025ના રોજ બપોરે આશરે 12.45 વાગ્યે ગોતામાં વીર કૃપા જ્વેલર્સ નામની જ્વેલર્સ શોપમાં ચોરીની ઘટના બની હતી. લગભગ 50 વર્ષની એક અજાણી મહિલા ગ્રાહક લગ્નપ્રસંગ માટે સોનાની વીંટીઓ અને બુટ્ટીઓ ખરીદવાના બહાને શોરૂમમાં આવી હતી. શોરૂમના કર્મચારી અશ્વિનભાઈ પ્રજાપતિએ મહિલા ગ્રાહકને અલગ-અલગ ડિઝાઈનવાળી વીંટીઓ અને બુટ્ટીઓ બતાવી હતી. મહિલાએ તેમાંથી પાંચ વીંટી અને એક બુટ્ટી પસંદ કરીને બાજુમાં મુકાવી હતી.આ પસંદગી દરમિયાન જ મહિલાએ નજર ચૂકવીને વીંટીની ચોરી કરી હતી.ચોરી કર્યા બાદ તેણે એટીએમમાંથી પૈસા ઉપાડીને તરત પાછા આવવાનું બહાનું કર્યું હતું અને શોરૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. જોકે, તે સ્ત્રી પાછી ફરી નહોતી, અને તેનું રહેઠાણ ક્યાં છે તે અંગેની કોઈ માહિતી શોરૂમના સ્ટાફ પાસે નથી.
સાંજે વિપુલભાઈ જોષી અને સ્ટાફે સ્ટોક ચેક કરવા માટે ઘરેણાંનું સ્ટોક પત્રક તપાસ્યું ત્યારે ચોરીની હકીકત સામે આવી. સ્ટોક ચેક કરતા, 6.440 ગ્રામ વજનની ‘ઓમ’ની ડિઝાઇનવાળી સોનાની એક વીંટી ઓછી જણાતા ચોરી થઈ હોવાનું નિશ્ચિત થયું, જેની કિંમત આશરે રૂપિયા 90,000 છે. આ ઘટનાની જાણ થતાં જ શોરૂમના CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ખરીદી કરવા આવેલી તે મહિલાએ પસંદ કરેલી બે વીંટીઓ હાથમાં લીધી હતી, જેમાંથી એક વીંટી લઈને તે ચાલાકીપૂર્વક બહાર નીકળી ગઈ હતી.આ અંગે સોલા પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
આ અગાઉ સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચાંદલોડિયા વિસ્તારમાં એક રેડીમેડ ગારમેન્ટના શો-રૂમમાં ખરીદીના બહાને ચોરી કરવામાં આવી હતી. આ મામલે સોલા પોલીસે CCTV કેમેરાની મદદથી રીક્ષા ચાલક અને 3 મહિલાની ધરપકડ કરી હતી.આ મહિલાઓએ આશરે રૂપિયા 15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડીની ચોરી કરી હતી. સોલા પોલીસે આ કેસમાં લેડીઝ ડ્રેસ અને રીક્ષા કબ્જે કરી હતી.


