અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી 9 જેટલી હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે. BU પરમિશન ન હોય તેવી હોસ્પિટલ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને આજે સવારે આવી હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ હોસ્પિટલોને અગાઉ નોટિસ અને મૌખિક સૂચનાઓ આપવા છતાં નિયમિતતા ન કરાવતાં AMCએ આ પગલું ભર્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMCના દક્ષિણ પશ્ચિમ ઝોનના હદ વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલોને બાંધકામની નિયમાનુસાર BU મેળવી લેવા તેમજ ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ-2022 (GRUDA-2022) હેઠળ બાંધકામ નિયમિત કરાવી લેવા માટે અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, કોર્પોરેશન દ્વારા વારંવાર મૌખિક સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
જોકે, આ હોસ્પિટલોના સંચાલકો દ્વારા વપરાશ પરવાનગી મેળવી લીધી હોય કે બાંધકામ નિયમિત કરાવી લીધું હોય તે અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા અને તેમ છતાં તેઓ દ્વારા હોસ્પિટલનો વપરાશ ચાલુ રાખવામાં આવ્યો હતો. આ બેદરકારીને કારણે અને જાહેર સલામતીના ભાગરૂપે, AMC દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે આ 9 હોસ્પિટલોને આજે સીલ કરવામાં આવી છે.
આજે સવારે સીલ કરવામાં આવેલી 9 હોસ્પિટલોમાં સરખેજ, મક્તમપુરા, જુહાપુરા અને સાઉથ બોપલ વિસ્તારનો સમાવેશ થાય છે. મુખ્યત્વે મક્તમપુરા અને જોધપુર-2 વિસ્તારની હોસ્પિટલો પર તવાઈ આવી છે.
આગામી દિવસોમાં BU મેળવેલ ન હોય કે ઇમ્પેક્ટ ફી અંતર્ગત બાંધકામ નિયમિત કરાવેલ ન હોય તેવા મલ્ટીપ્લેક્ષ, શૈક્ષણિક સંસ્થાઓ વિગેરે જેવા એસેમ્બલી પ્રકારના એકમોનો વપરાશ બંધ કરાવવા અંગે સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
| 33-સરખેજ | દેવપુષ્પ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ, ગજરાજ કોમ્પ્લેક્ષ, સરખેજ |
| 34-મક્તમપુરા | મુસ્કાન મેટરનીટી હોમ, ગુલમોહર સોસાયટી, મક્તમપુરા |
| 34-મક્તમપુરા | નૌશીન હોસ્પિટલ, મક્તમપુરા |
| 34-મક્તમપુરા | રિયાઝ હોસ્પિટલ, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરા |
| 34-મક્તમપુરા | હેપ્પીનેસ્ટ ચીલ્ડ્રન હોસ્પિટલ, યુનીડ ફ્લેટ, વિશાલા સર્કલ |
| જોધપુર-2 | સફલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સાઉથ બોપલ |
| જોધપુર-2 | મમતા હોસ્પિટલ, સાઉથ બોપલ |
| જોધપુર-2 | આસના ઓર્થોપેડીક હોસ્પિટલ, સાઉથ બોપલ |
| જોધપુર-2 | દ્વારિકા હોસ્પિટલ, સાઉથ બોપલ |


