અમદાવાદ : અમદાવાદના સિંધુ ભવન રોડ નજીક ફૂટપાથ પર લગાવેલું એક મોટું બેનર ગુરુવારે (4 ડિસેમ્બર) બપોરે અચાનક તૂટી પડતાં એક્ટિવા પર જઈ રહેલા બે લોકોને ઈજા થઈ હતી. તંત્રની બેદરકારીના કારણે વાહનચાલકો ભોગ બન્યા હતા. આ દરમિયાન મ્યુનિસિપલ ટીમે તકેદારીના ભાગરૂપે તૂટી પડેલું બેનર દૂર કર્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઇ કુમાવત તેમના પત્ની મિતાલીબેન કુમાવત બોપલ ખાતે હોસ્પિટલથી પોતાના ઘરે જવા માટે સિંધુભવન રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. સિંધુભવન રોડ પર એસપી રિંગ રોડથી ટાઈમ સ્ક્વેર ચાર રસ્તા પહેલા કોમનવેલ્થ ગેમ્સને આવકારતું હોર્ડિંગ્સ લગાવવામાં આવેલું હતું, જે અચાનક જ આ દંપતી ઉપર પડ્યું હતું.
આ મામલે ભોગ બનનાર ચંદ્રેશ કુમાવત મુજબ, “Hoarding અચાનક અમારા પર પડ્યા, જેના કારણે હું અને મારી પત્ની બંને નીચે પડી ગયા અને ઘાયલ થયા. અમને બંનેને ઇજાઓ થઈ છે અને અમારા હાથ અને પગમાં ઇજાઓ થઈ છે.” અમારા ઇલેક્ટ્રિક મોપેડને પણ નુકસાન થયું છે. આ બેનર સ્પષ્ટપણે બેદરકારીભર્યા છે. અમે આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરીશું. આ ગંભીર બેદરકારી કોઈના જીવનને જોખમમાં મૂકી શકે છે.
બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને(AMC) પણ આ બેનર કોણે લગાવ્યું હતું. તે માટે જરૂરી મંજૂરી લેવાઈ હતી કે નહીં. તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપાલિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો ઇન્સ્ટોલેશનમાં કોઈ બેદરકારી અથવા નાગરિક માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાશે તો કાર્યવાહી કરાશે.
આ દરમિયાન મ્યુનિસિપલ ટીમે તકેદારીના ભાગરૂપે તૂટી પડેલું બેનર દૂર કર્યું હતું. આ ઘટનાની જવાબદારી નક્કી કરવા પોલીસ સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી છે.


