અમદાવાદ : ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ સત્તાધારી પક્ષને અનેક મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, ગુજરાત પોલીસ દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે કડક કાર્યવાહી કરતી નથી, જેથી કોંગ્રેસ ‘નશામુક્ત ગુજરાત’ અભિયાનની શરૂઆત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ અભિયાન અંતર્ગત લોકોની મદદ કરવા માટે એક વિશેષ હેલ્પલાઇન નંબર 99090 89365 પણ જાહેર કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત એન.એસ.યુ.આઈ. દ્વારા ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ ગુજરાત યુનિવર્સિટીથી વિવિધ કેમ્પસો આવરી લઈને બાઈક રેલી યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા સહિતના યુવા સાથીઓ – આગેવાનો જોડાયા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આ નંબર પર મિસ્ડ કોલ કરીને જનતા અભિયાનને સમર્થન આપી શકે છે તેમ જ વોટ્સએપ મેસેજથી દારૂ કે ડ્રગ્સ અંગેની ફરિયાદો આપી શકે છે, તેમની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.
પહેલા તો ડ્રગ્સ કે ચરસ-ગાંજાના અડ્ડા મામલે પોલીસને જાણ કરવામાં આવશે. જો પોલીસ પોતાની ફરજ નહીં બજાવે તો મહિલા કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને ડ્રગ્સ કે ચરસ-ગાંજાના અડ્ડાઓ પર રેડ પાડશે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, 30 વર્ષના BJP શાસનમાં ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ, મેન્યુફેક્ચરિંગ, રીટેલિંગ હબ બની ગયું છે. બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓને રાજકીય છત્રછાયા મળવાથી આખું રાજ્ય નશાની બેફામ ઉપજમાં ધકેલાઈ ગયું છે એ હકીકત આજે સૌએ સ્વીકારી છે.
ગુજરાત કોંગ્રેસે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ગુજરાત કોંગ્રેસ NSUI મારફતે 1000થી પણ વધારે કોલેજોમાં ‘Drugs Free Campus’ અભિયાન ચલાવશે અને વિદ્યાર્થીઓને નશો છોડવાની શપથ લેવડાવશે.
કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતને નશા મુક્ત કરવા માટે આ અભિયાનમાં જોડાવા માટે જનતાને વિનંતી કરી છે અને જનતા માટે વિશેષ હેલ્પલાઇન નંબર – 99090 89365 નંબર જાહેર કરાયો છે.


