અમદાવાદ : અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 35 વર્ષથી અસ્તિત્વ ધરાવતી સ્નેહાંજલિ કો.ઓ. સોસાયટીને તંત્ર દ્વારા ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. આ સોસાયટીમાં રહેતા 25 પરિવારો માટે રહેઠાણનું મોટું સંકટ ઊભું થયું હતું. જો કે આ ઘટનાક્રમ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે કે AMC દ્વારા સોસાયટીના રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે, 7 દિવસમાં મકાન ખાલી કરીને પ્લોટ કોર્પોરેશનને સુપરત કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્નેહાંજલિ સોસાયટીના વિવાદને લઈને આજે 16 ડિસેમ્બરના રોજ બોડકદેવ ખાતેની ઉત્તર-પશ્ચિમ ઝોનની ઝોનલ કચેરીએ એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુ. કમિશનર તથા ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં સ્નેહાંજલિ સોસાયટીના તમામ રહેણાંકના કબજેદારો સાથે મીટિંગ થઈ હતી. હાલ હંગામી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શાસ્ત્રીનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા સરદાર પટેલ નગર ખાતેના આવાસોમાં શિફ્ટ થવા માટે તમામ સભ્યોએ સંમતિ દર્શાવી હતી.આ સોસાયટીમાં રહેતા રહીશોને ઘરના બદલે ઘર મળતા કોર્પોરેશનનો આભાર માન્યો હતો.
સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને પહેલા AMC દ્વારા કરોડોના મકાન સામે પહેલા 1Bhk ફ્લેટ જ આપવાની વાત કરવામાં આવી હતી. જોકે, સોસાયટીના સભ્યોએ હોબાળો કરતા 4Bhk મકાન આપવામાં આવી રહ્યા છે.જો કે બિલ્ડરો સામે સોસાયટીના રહીશો કાયદાકીય લડત લડતા રહેશે તેવુ જણાવવામાં આવ્યું છે. સ્થાનિકોએ કોર્પોરેશનની વૈકલ્પિક વ્યવસ્થાને સ્વીકારી છે.
તમામ સભ્યો દ્વારા બાહેંધરી આપવામાં આવી છે કે, આ આવાસો પેટે ભાડાની ચૂકવણી કે અન્ય નાણાકીય બાબતે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને AMC જે નિર્ણય લેશે તે તેમને સ્વીકાર્ય છે. આ વિવાદ પૂર્ણ થયા બાદ AMC દ્વારા આગામી દિવસોમાં સ્નેહાંજલિ સોસાયટીના તમામ મકાનોનું ડિમોલેશન કરવામાં આવશે. આ મકાનો ડિમોલેશન કર્યા બાદ પ્લોટનો કબજો જે તે માલિકને સોંપવામાં આવશે.


