અમદાવાદ : ઉત્તરાયણ (મકર સંક્રાંતિ) ગુજરાતીઓ માટે એક પાવન અને આનંદનું પર્વ હોવાનું મનાય છે. આ દિવસે આકાશમાં પતંગોની રંગબેરંગી ઉડાન અને “કાઈ પોઈચ”ના નારા આખા ગુજરાતને ઉત્સાહથી ભરી દે છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરોમાં ફ્લેટો અને સોસાયટીઓના ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને પતંગ ચગાવે છે.આ ઉત્સાહ વચ્ચે સલામતીનો મુદ્દો મહત્વનો બની જાય છે, કારણ કે અમદાવાદમાં અનેક હાઉસિંગ સોસાયટીઓ 40 કે તેથી વધુ વર્ષ જૂની છે અને જર્જરિત થઈ ગયેલી છે.
ખાસ કરીને અમદાવાદ શહેરમાં સોલા, નારણપુરા, નવા વાડજ સહિત પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓ આવેલી છે. આમાંની મોટાભાગની ઇમારતો 40-50 વર્ષ કે તેથી વધુ જૂની છે. 2001ના ભૂકંપ પછી અનેક ઇમારતોમાં નુકસાન થયું હતું, અને હવે તેમના ધાબા, પાણીની ટાંકીઓ અને છત જર્જરિત થઈ ગયા છે. સરકારી નિયમો અનુસાર 25 વર્ષથી વધુ જૂની અથવા જર્જરિત જાહેર થયેલી ઇમારતો રીડેવલપમેન્ટ માટે લાયક છે, પરંતુ અનેક સોસાયટીઓમાં આ પ્રક્રિયા હજુ બાકી છે.
જર્જરિત સોસાયટીઓમાં અનેક સોસાયટીઓમાં ધાબા, છતના સ્લેબ, પાણીની ટાંકીઓ તેમજ અન્ય માળખાકીય ભાગોમાં ગંભીર ક્ષતિ અને નબળાઈ જાેવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન એકસાથે મોટી સંખ્યામાં લોકો ધાબા પર એકત્ર થવાથી માળખાકીય નિષ્ફળતા, અકસ્માતો અથવા ગંભીર દુર્ઘટના સર્જાવાનો સંભવ ખતરો રહેલો છે.
જાહેર સલામતી અને માનવજીવનના રક્ષણના હિતમાં જર્જરિત સોસાયટીના એસોસિયેશન અને નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે નાનું મોટુ હોય તો રીપેરીંગ કરાવવું જાેઈએ. જાે જર્જરિત તથા જૂની સોસાયટીઓમાં વધારે રીપેરીંગ કરાવવાનું હોય તો ઉત્તરાયણ દરમિયાન ધાબા પર પતંગ ચગાવવાનું ટાળવું જાેઈએ. સાથે જ સંબંધિત સોસાયટીઓને મ્યુ કોર્પાેરેશનનો સંપર્ક કરી તાત્કાલિક સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવી જાેખમી માળખાઓ અંગે જરૂરી સુરક્ષા પગલાં લેવાની અપીલ કરવામાં આવે છે.
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળની અપીલ
અમદાવાદ : ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડ જણાવે છે કે આગામી દિવસોમાં ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે અને જે અમદાવાદમાં આ તહેવાર ખાસ કરીને પતંગો ચઢાવવા માટે ધાબા ઉપર અનેરા ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને એમાંય આખા અમદાવાદમાં જુના અમદાવાદની પોળો અને બાદમા આ તહેવાર સોલા, નારણપુરા અને નવાવાડજમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ફલેટો કે જે એકસરખી ઊંચાઈવાળા સમાંતર હોવાથી ત્યાં આ ઉત્તરાયણ તહેવાર ઉજવવાનો આનંદ વધારે આપતો હોય છે ત્યારે આ ફલેટોમાં કેટલાક ફ્લેટોના ઉપરના ધાબાઓ તથા તેના પેરાપીટ તથા તેની ટાંકીની આસપાસનો ભાગ જર્જરિત અથવા નબળો થઈ ગયો હોવાથી તે માટે કોઈ અકસ્માત ના બને તેના ભાગરૂપે આ ધાબા ઉપર આવતા પતંગ રસિયાઓ અને મહેમાનોને વિનંતી કે જર્જરિત ધાબાઓ અને પેરાપટોને ધ્યાનમાં રાખી ધાબાની કેપેસિટીના પ્રમાણમાં વધારે લોકો તે ધાબા ઉપર એકઠા ન થાય તે માટેના તકેદારી અને સાવચેતીના પગલાંના ભાગરૂપે સ્થાનિક બ્લોક પ્રતિનિધિઓ અને એસોસિએશનના હોદ્દેદારો તેનું ખાસ ધ્યાન રાખે તેવી મારી એક નમ્ર અપીલ છે……


