અમદાવાદ : ઉત્તરાયણના પર્વને લઈ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.અમદાવાદમાં દર વર્ષે પતંગની ઘાતક દોરી એટલે કે માંજાને કારણે ગળા, ચહેરા અને શરીરની મુખ્ય રક્તનાળીઓ પર ગંભીર ઈજાઓ પહોંચવાના કિસ્સાઓ સામે આવે છે. આ જોખમને ટાળવા માટે AMAના પ્રમુખ ડૉ. જીગ્નેશ શાહ અને માનદ સચિવ ડૉ. મૌલિક શેઠે નાગરિકોને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે.
અમદાવાદ મેડિકલ એસોસિએશને જાહેર કરેલી સૂચના
- દોરીની પસંદગીમાં કાચ પાલેલા, નાયલોન, ધાતુ અથવા ચાઈનીઝ માંજાનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવો.
- પતંગ ઉડાવવા માટે ફક્ત સાદો કપાસનો દોરો જ વાપરવો, કારણ કે ખતરનાક માંજાનો ઉપયોગ કાયદેસર ગુનો છે.
- વાહનચાલકો માટે સાવધાનીને લઈને ટુ-વ્હીલર ચાલકોએ પતંગ ઉડતા હોય તેવા વિસ્તારોમાં વાહન ધીમે ચલાવવું.
- ગળાના રક્ષણ માટે સ્કાફ બાંધવો અથવા ફુલ-ફેસ હેલ્મેટનો ઉપયોગ કરવો અને રસ્તા પર પડેલા દોરાથી સાવધ રહેવું.
- બાળકો અને ટેરેસની સુરક્ષા માટે બાળકોએ હંમેશા વડીલોની દેખરેખ હેઠળ જ પતંગ ઉડાવવો.
- ટેરેસ પર દોડધામ ન કરવી અને અસુરક્ષિત ટેરેસ કે જ્યાં દીવાલ ન હોય ત્યાં જવાનું ટાળવું.
AMAના પ્રમુખ ડૉ. જીગ્નેશ શાહે જણાવ્યું હતું કે, જો કોઈને ઈજા થાય, તો નાની ઈજાને પણ અવગણશો નહીં. જો લોહી વહી રહ્યું હોય, તો તે ભાગ પર દબાણ આપવું અને મોડું કર્યા વગર તરત જ નજીક સારવાર સ્થળે પહોંચી જવું.


