અમદાવાદ : રાજ્યમાં બ્રિજની કામગીરીમાં હવે અવારનવાર ખામીઓ સામે આવી રહી છે ત્યારે અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ અને સ્પાન બેસી જવાની ઘટના બાદ વધુ એક બ્રિજમાં ખામી સામે આવી છે.જૂના વાડજના 14 વર્ષ મહર્ષિ દધીચિ ઓવરબ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા છે. બ્રિજના મધ્યના ભાગે રોડ ઉખડી ગયો છે અને સળિયા દેખાવા લાગ્યા છે. બ્રિજમાં જ્યાં સળિયા ઉખડી ગયા છે તેની આગળના ભાગે પણ આ જ રીતે ખાડા પડ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના જુના વાડજ વિસ્તારમાં મહર્ષિ દધીચિ ઓવરબ્રિજ આવેલો છે.વર્ષ 2011માં આ ઓવરબ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 14 વર્ષે જુના ઓવરબ્રિજના ઉપરના ભાગે રોડ પરના સળિયા દેખાવા લાગ્યા છે. રોડની સરફેસ નીકળી ગઈ છે અને સળિયા દેખાઈ રહ્યા છે અને બ્રિજ પરથી ભારે વાહનો પસાર થતાની સાથે બ્રિજમાં વાઇબ્રેશન પણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે.વર્ષ 2011માં લોકો માટે ખુલ્લો મુકાયેલા આ બ્રિજની હાલત ટૂંકા ગાળામાં જ ખરાબ થઈ જતાં તેની ગુણવત્તા પર શંકાની સોય સેવાઈ રહી છે.
સુભાષ બ્રિજને વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે અને તેનો તમામ ટ્રાફિક વાડજના દધીચિ ફ્રિજ તરફ ડાયવર્ટ કર્યો છે. જેના કારણે રોજના એક લાખથી વધારે વાહન ચાલકો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે ત્યારે આ બ્રિજ ઉપર સડિયા દેખાતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. જો સમયસર આ બંને બ્રિજનું મજબૂતીકરણ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હાલમાં સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરી અને ભ્રષ્ટાચારને લઈને ઉગ્ર ચર્ચાઓ જાગી છે.


