અમદાવાદ : અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદી પર આવેલા બ્રિજ હવે જોખમી બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સુભાષ બ્રિજ બાદ હવે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા મહત્વના ઈન્દિરા બ્રિજ પર પડેલી તિરાડો અને ખાડાના અહેવાલે હજારો વાહનચાલકોમાં ફાળ પાડી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ તંત્રએ તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, “ઇન્દિરા બ્રિજ પર તિરાડો અંગેની વિગતો તદ્દન ખોટી અને ભ્રામક છે. વાસ્તવમાં જેને તિરાડ ગણાવવામાં આવી રહી છે તે કોઈ સ્ટ્રક્ચરલ ક્ષતિ નથી.”

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડો હોવા અંગેના અહેવાલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તાજેતરમાં વિવિધ માધ્યમોમાં અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડો હોવા અંગેના સમાચાર પ્રસિદ્ધ થતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.જે બાબતે પાટનગર યોજના વિભાગ-3 ના કાર્યપાલક ઇજનેર તથા પેટા વિભાગ-18 ના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સંયુક્ત રૂબરૂ ચકાસણી કરતા માલુમ પડેલ છે કે, ન્યૂઝના અહેવાલોમાં દર્શાવેલ વિગતો તદ્દન ખોટી અને ભ્રામક છે.
અમદાવાદ- ગાંધીનગરને જોડતો ઇન્દિરા બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું તંત્ર દ્વારા સ્પષ્ટ કર્યું છે. વિભાગની ટેકનિકલ ઓડિટ અને સંયુક્ત તપાસમાં બ્રિજમાં કોઈપણ પ્રકારની સ્ટ્રક્ચરલ ખામી કે ડેમેજ ન હોવાનું બહાર આવ્યું છે. તિરાડ અંગે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે તાપમાનમાં થતા ફેરફારના કારણે એક્સપાન્શન જૉઇન્ટમાં અસર જોવા મળી હતી, પરંતુ તે વાહન વ્યવહાર માટે કોઈ જોખમરૂપ નથી. આથી અમદાવાદ–ગાંધીનગર માર્ગ પર વાહન વ્યવહાર યથાવત છે.


