અમદાવાદ : અમદાવાદમાં રફતારે વધુ એક જિંદગી છીનવી છે. ટ્રાફિકથી સતત ધમધમતા C.G. રોડ પર પૂરપાટ ઝડપે બાઈક હંકારતા ચાલકે એક રાહદારીને ટક્કર મારી હતી. જેને પગલે રાહદારીનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. બાઈક ચાલકને પણ આ ઘટનામાં ઈજાઓ થઈ હતી. આ ભયંકર ટક્કર બાદ યુવક 100 ફૂટ દુર બાઇકની સાથે જ પટકાયો હતો.આ ભયાનક અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના સી.જી. રોડ વિસ્તારમાં મજૂરીકામ કરી ગુજરાન ચલાવતો પ્રકાશ ડિંડોર ગત રાત્રે તેના મિત્ર મહેન્દ્ર ચૌહાણ સાથે જમ્યા બાદ ટહેલવા નીકળ્યો હતો. મરડિયા પ્લાઝા પાસે બંને મિત્રો સાવચેતીપૂર્વક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે જ ગોતા તરફથી આવતી એક હાઈ-સ્પીડ FZ સ્પોર્ટ્સ બાઈકચાલકે પ્રકાશને અડફેટે લીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના મતે ટક્કર એટલી પ્રચંડ હતી કે પ્રકાશ બાઈક નીચે કચડાઈ ગયો હતો અને તેને માથાના ભાગે જીવલેણ ઇજાઓ થઈ હતી.
અકસ્માત એટલો ભયંકર હતો કે, પ્રકાશ 100 ફૂટ દુર બાઈક સાથે ઢસડાયો હતો અને તેના પગ પણ બાઇકના સ્ટીયરિંગ પર જ હતા. અકસ્માત કરનાર સુફિયાન મુસ્તુફા ગોતાના PGમાં રહે છે. હાલમાં સુફિયાન સારવાર હેઠળ છે, જ્યારે પ્રકાશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે સુફિયાન મુસ્તુફા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અકસ્માતોની વધતી સંખ્યાને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનો બેફામ વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.


