અમદાવાદ : માનવતા મરી પરવારી હોવાની ઘટના અવારનવાર સામે આવતી જ હોય છે. નિર્દયતાનો વધુ એક કિસ્સો અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી સામે આવ્યો છે રહેણાંક ફ્લેટના પાર્કિંગમાં આરામ કરી રહેલા એક માસૂમ ગલુડિયા પર વાહનચાલકે કાર ચલાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધું છે, આ મામલે સોસાયટીના જ એક જાગૃત નાગરિકે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાણીપમાં રહેતા ફૂલદીપભાઈ શર્માએ રાણીપ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ સુંદરવન ફ્લેટ ખાતે આવેલી નારાયણ રેસીડેન્સીમાં રહે છે. સોસાયટીના જ બ્લોક ડી/405માં રહેતા 58 વર્ષીય જયપ્રકાશ સરોજ પોતાની મારૂતિ ઓમ્ની ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી રહ્યા હતા. તે સમયે તેમણે ભારે બેદરકારી દાખવી આજુબાજુ જોયા વગર જ ગાડી ચાલુ કરી આગળ વધારી હતી.ત્યાં પાર્કિંગમાં એક બ્રાઉન રંગનું ગલુડિયું શાંતિથી સૂતું હતું, જેના પર તેમણે ગાડી ચઢાવી દીધી હતી. ગંભીર ઈજાઓ થવાને કારણે ગલુડિયાનું મોત થયું હતું.
સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ, રાણીપ પોલીસે આરોપી જયપ્રકાશ સરોજ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 325 તથા પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ 1960ની કલમ 11(1)(એ) અને 11(1)(આઈ) મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદી ફૂલદીપભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોઈને પણ અબોલ પશુઓ સાથે આવી ક્રૂરતા કરવાનો અધિકાર નથી અને આરોપીને કડક સજા થવી જોઈએ.
આ ઘટના પછી સ્થાનિક લોકો અને પશુપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. ઘણા લોકોએ સૂચના આપી છે કે આવું કૃત્ય ન થાય તે માટે પ્રતિબંધક પગલાં લેવાય અને દંડની કાર્યવાહી કડક હોવી જોઈએ.


