અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન દારૂની પાર્ટીઓના કિસ્સા સામે આવી રહ્યા છે.અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગના ધાબા પર પોલીસે દરોડા પાડ્યાં હતા. DJ પાર્ટીની ધમાલ ચાલતી હોવાની કન્ટ્રોલરૂમમાં ફરિયાદ મળતા પોલીસે ચેકિંગ કર્યું તો ખુલ્લેઆમ ચાલતી દારૂ પાર્ટી ઝડપાઈ હતી.પોલીસે કુલ 4 યુવતીઓ અને 17 યુવકો સહિત 21 લોકોને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વાસી ઉત્તરાયણે અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગના ધાબા પર દારૂની મહેફિલ ચાલી રહી હતી અને અચાનક ત્યાં પોલીસ ત્રાટકી હતી. DJ પાર્ટી ચાલતી હોવાની અને ધમાલ કરાતી હોવાની કંટ્રોલરૂમમાં ફરિયાદ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ પહોંચી હતી. જેના બાદ પોલીસે દારૂ પીતા નબીરાઓ પકડી પાડ્યા છે.
આ રેડ દરમિયાન પોલીસને મોંઘી વિદેશી દારૂની બોટલો જોવા મળી હતી. સાથે લીચી, કાચી કેરી, ઈલાયચી સહિતના ફળો અને અન્ય ખાણીપીણી પણ બાઈટ તરીકે ઉપયોગ કરવા માટે તૈયાર કરવામાં આવેલા હતા. તે ઉપરાંત ટેરેસ ઉપર જ હુક્કાબાર જેવી વ્યવસ્થા કરાઇ હતી. પોલીસે 21 લોકોને કસ્ટડીમાં લઈ દારૂની બોટલો અને અન્ય સામગ્રી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર દારૂની પાર્ટીનું આયોજન એક જાણિતા બિલ્ડરના પુત્ર દ્વારા કરાયું હતું. બિલ્ડરનો પુત્ર રેડ દરમિયાન નાસી છૂટવામાં સફળ રહ્યો હોવાની પણ ચર્ચા છે. એવો પણ ગણગણાટ છે કે કાર્યવાહી ન થાય તે માટે આઈપીએસની ભલામણો દોર પણ શરૂ થયો હતો. પોલીસ જ્યારે પહોંચી ત્યારે હાજર લોકો નશાની હાલતમાં જોવા મળ્યાં હતા. ઘટનાસ્થળેથી વિદેશી દારૂની બોટલો અને હુક્કા પણ મળી આવ્યાં છે.


