અમદાવાદ : શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર તથા ફ્લાવર ગાર્ડન ખાતે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને શહેરીજનોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળતા, વધુમાં વધુ લોકો આ રંગબેરંગી ફ્લાવર શો નિહાળી શકે તે હેતુસર મુલાકાત સમય વિસ્તૃત કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલે 16 જાન્યુઆરી 2026થી મુલાકાતીઓ ફ્લાવર શો રાત્રે 10:00 વાગ્યા સુધી નિહાળી શકશે એવો નિર્ણય કરાયો છે. આ અગાઉ જ્યારે ટિકિટ રાત્રે 9:00 વાગ્યા સુધી મુલાકાત લઇ શકતા હતા. હવે મુલાકાતીઓએ રાત્રિના 10:00 વાગ્યા સુધીમાં મુલાકાત પૂર્ણ કરવાની રહેશે.
વધુમાં વધુ નાગરિકોને ફ્લાવર શોનો આનંદ મળી રહે તે હેતુસર રાત્રિના સમયમાં VIP ટિકિટ વ્યવસ્થા હવે ઉપલબ્ધ રહેશે નહીં, જ્યારે સવારની VIP ટિકિટ વ્યવસ્થા યથાવત રહેશે. સવારના 07:00 વાગ્યાથી 08:00 વાગ્યા સુધી VIP ટિકિટ ઉપલબ્ધ રહેશે તથા VIP મુલાકાત સમય સવારના 08:00 થી 09:00 વાગ્યા સુધી રહેશે.
આ ફ્લાવર શો દરમિયાન 12 વર્ષથી નીચેના બાળકો, સૈનિકો તેમજ વિકલાંગ વ્યક્તિઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. 12 વર્ષથી ઉપરના તમામ મુલાકાતીઓ માટે ટિકિટ ફરજિયાત રહેશે.જાહેર જનતાને ઉપરોક્ત વ્યવસ્થાની નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે.


