અમદાવાદ : ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે સંપન્ન થયો છે, પરંતુ ઉત્તરાયણ દરમિયાન રસ્તા પર પડેલી પતંગની દોરી વાહનચાલકો અને પક્ષીઓ માટે યમદૂત સમાન સાબિત થતી હોય છે. આ જોખમને ટાળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રશંસનીય કવાયત હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMCના CNDC દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને ફ્લાયઓવર પરથી પતંગની કાપાયેલી દોરીઓ એકત્રિત કરવાનું અભિયાન ચલાવ્યું છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ દોરીઓ ગળાના ફાંસા સમાન બની જતી હોય છે. આ ગંભીર સમસ્યાને રોકવા માટે AMCનો CNDC વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. CNDC વિભાગના કર્મચારીઓએ શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ કર્યું છે.અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 50 કિલો જેટલી ઘાતક દોરીનો જથ્થો એકત્ર કરી તેનો સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો છે. તંત્રની આ કામગીરીને કારણે ગળામાં દોરી ફસાવવાના અને અકસ્માતના અનેક બનાવો બનતા અટક્યા છે.
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બંને દિવસો દરમિયાન હજારો પતંગો આકાશમાં ચગે છે. જેના કારણે 15 અને 16 જાન્યુઆરીના દિવસો સૌથી વધુ જોખમી માનવામાં આવે છે. AMC દ્વારા આ બે દિવસોને ખાસ ‘ક્લિનિંગ ડે’ તરીકે ગણીને સવારથી જ ટીમો કાર્યરત કરી દેવામાં આવી હતી. માત્ર જાહેર માર્ગો જ નહીં, પરંતુ સોસાયટીઓના મુખ્ય રસ્તાઓ પરથી પણ કચરો અને દોરીઓ હટાવવામાં આવી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ઉત્તરાયણ બાદ પોતાના ઘરના ધાબા કે આસપાસ પડેલી નકામી દોરીઓને જાહેરમાં ફેંકવાને બદલે તેને સુરક્ષિત રીતે ડસ્ટબિનમાં નિકાલ કરવો જોઈએ, જેથી કોઈ અબોલ પક્ષી કે નિર્દોષ વાહનચાલકનો જીવ જોખમમાં ન મુકાય.


