અમદાવાદ : આગામી વિધાનસભા ચૂંટણીને લઇને વિવિધ સંગઠનો અને સંસ્થાઓ શાસક પક્ષના વિરોધમાં મતદાન કરવાની ચીમકી ઉચ્ચારીને ગાંધીનગરમાં ધરણા સાથે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. અનેક સંગઠનો આમ આદમી પાર્ટી અને વિરોધ પક્ષ કોંગ્રેસને સમર્થન કરી રહ્યા છે કે માંગી રહ્યા છે. તમામને આશા છે કે વિધાનસભા ચૂંટણી ટાણે માંડ સરકાર હાથમાં આવી છે અને આજ સમય છે કે સરકારનું નાક દબાવીને તેમના પડતર પ્રશ્નોનું સમાધાન લાવી શકાશે. એટલે જ દર બીજા દિવસે વિવિધ સંગઠનો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે સહીત સમગ્ર રાજ્યમાં વિરોધ-ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે.
તાજેતરમાં ગુજરાત હાઉસીંગ વસાહત મંડળના હોદ્દેદારો દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અમદાવાદ મુલાકાત દરમ્યાન હાઉસીંગના પ્રશ્નોને લઈને પડતર દસ્તાવેજોની અડચણો તથા રિડેવલપમેન્ટને સરળ બનાવવા અને અડચણો દૂર કરવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે ઊંડો રસ લઈ વાતને ધ્યાનમાં લઈ તેનો તેમની સરકાર રહિશોના હિતમાં ઉકેલ આપશે તેવી ખાત્રી પણ આપી હતી.આ મુલાકાતમાં ગુજરાત આપના પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા તથા ઇશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં હાજરીમાં ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશભાઈ બારડ, બીપીનભાઈ પટેલ, મહેન્દ્રભાઈ શાહ, અમૃતભાઈ પ્રજાપતિ અને સ્થાનિક આગેવાન સિદ્ધાર્થ ભાઈ સોની પણ હાજર રહ્યા હતા.