અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની જુદી જુદી હાઉસીંગ સોસાયટીઓના રહીશો છેલ્લાં કેટલાંય વર્ષોથી માગણી કરી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી ધરણાં, પોસ્ટરો સહીત હાઉસીંગ કમિશ્નરથી લઈને મુખ્યમંત્રી સુધી રજુઆત કરી ચુક્યા છે છતાં હાઉસીંગના પ્રશ્નો જેમ કે હાઉસીંગના દસ્તાવેજ, વધારાના બાંધકામના દંડ વગેરે તથા રિડેવલપમેન્ટ પોલીસીમાં ફેરફાર અંગે કોઈ નિર્ણય ન લેવાતા હાઉસીંગના રહીશો ફરી લડી લેવાના મૂડમાં હોવાનું જણાયું છે.
ગત ગુરુવારે ગુજરાત હાઉસીંગ બોર્ડની જુદી જુદી સોસાયટીઓના અગ્રણી હોદ્દેદારોની સંયુક્ત મિટિંગ નારણપુરા ખાતે પ્રગતિનગરના બગીચામાં મળેલ હતી. જેમાં રિડેવલપમેન્ટનું સરળીકરણ તથા દસ્તાવેજના અડચણો દૂર કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગ સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે હાઉસીંગના રહીશોને ઉપરોકત પ્રશ્ને જાગૃત કરવા માટે આ મુદ્દાઓને લગતા પ્રશ્નોની આશરે બે લાખ પત્રિકાઓ હાઉસીંગના ઘરે ઘરે પહોંચાડવાનું નક્કી કર્યું હતું અને આ પત્રિકાઓ દ્વારા હાઉસીંગના તમામ રહીશોને એકતા કરવા માટે પહોંચાડવામાં આવશે.
આ ઉપરાંત આ મિટિંગમાં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ફૂલ ટાઇમ કાયમી કમિશનરની નિમણુંક કરવા માટે પણ માગણી કરવામાં આવી છે. જેથી કરીને અત્યારે બે મહિને એકવાર આવતા કમિશનરને મળવા માટે છેક ગાંધીનગરનો ધક્કો ખાવો પડે છે.જેના પરિણામે રહીશોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ નથી આવતું, તો તે માટે સરકારમાં રજૂઆત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ પત્રિકાઓ દ્વારા દરેક સોસાયટીઓમાં ગ્રુપ મીટીંગનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું. આગામી કાર્યક્રમો નક્કી કરવા માટે હોદ્દેદારોની ફરી મિટિંગ મળશે.