અમદાવાદ : શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ ગુજરાત કોલેજ પાસેથી સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે સપાટો બોલાવ્યો હતો. સ્ટેટ મોનીટરિંગની ટીમે ઓલ્ડ ટીસીસ નામની હુક્કાબારમાં રેડ પાડી હતી. હર્બલ ફ્લેવરમાં નિકોટિનયુક્ત ફ્લેવર એડ કરી હુક્કાબાર ચાલતુ હોવાની માહિતી મળતા રેડ પાડવામાં આવી હતી. સ્ટેટ મોનીટરિંગની ટીમે મેનેજર સહિત 20 લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે.
આ વિશે મળતા રિપોર્ટ પ્રમાણે, અમદાવાદ શહેરના ગુજરાત કોલેજ પાસે એક હુક્કાબાર ચાલતું હોવાની બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી. જેમાં ગેરકાયદેસર રીતે નિકોટીન યુક્ત ફ્લેવર એડ કરી હુક્કાબારનો ધંધો ચાલે છે અને ઘણા ગ્રાહકો હુક્કાબારમાં બેસી હક્કો પીવે છે. બાતમીના આધારે તા.16/09/2022ના રોજ રેડ કરતાં સ્થળ પરથી હુક્કાબારના માલિક પથિક ભુપેન્દ્રભાઈ જા, મેનેજર કેયુર ધર્મેન્દ્રભાઈ ગાંધી અને હુક્કાબારમાં હુક્કા સર્વિસ માટે રાખવામાં આવેલા કુલ 12 મજુરો તેમજ કુલ 09 ટેબલો પર પડેલા 13 હુક્કાઓમાં હુક્કો પીવા બેઠેલી 2 મહિલાઓ સહિત કુલ 20 વ્યક્તિઓ હાજર મળી આવ્યા હતાં.
ગુજરાત કોલેજ પાસે ચાલતા હુક્કાબારમાં અહીં કોણ-કોણ આવતું હતું તે જાણવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હુક્કાબારના CCTV કબજે કર્યા છે. સ્થાનિક પોલીસની જાણ બહાર વિજિલન્સે દરોડા પાડ્યા હતા. જેમાં બે મહિલા સહિત કુલ 20 લોકો હુક્કો પીવા આવ્યાં હતાં. વિજિલન્સની ટીમે અહીં અલગ અલગ ફ્લેવર અને હુક્કાઓ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો છે.