અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-1માં પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાંચમા નોરતાએ એટલે કે 30મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવવામાં આવશે. ત્યારબાદ થલતેજમાં આવેલા દૂરદર્શન પાસેના ગ્રાઉન્ડમાં જાહેર સભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે.
અમદાવાદીઓ માટે જાહેર ટ્રાન્સપોર્ટેશનમાં એક નવી માધ્યમ ઉમેરાવા જઈ રહ્યો છે. અહી વાત થઈ રહી છે મેટ્રો ટ્રેનની. અમદાવાદના ફેઝ-1ના રૂટ પર નવરાત્રી પૂર્ણ થાય એ પહેલા મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી શકે છે. હાલ અમદાવાદમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે. જોકે, હવે એ દિવસો દૂર નથી જ્યારે ફેઝ-1માં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળે. કેમ કે ફેઝ-1નું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના આરે છે. ફેઝ-1ના રૂટમાં 38 સ્ટેશનનું નિરીક્ષણ પણ થઈ ગયું છે.
પીએમ મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે જેની અમદાવાદીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ મેટ્રો ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. 30મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે.