અમદાવાદ : રાજ્યભરમાં માલધારી સમાજના વિરોધને જોતા રાજ્ય સરકાર દ્વારા રખડતાં ઢોર નિયંત્રણ અંકુશ કાયદો પરત લેવામાં આવશે એવું અહેવાલો જણાવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં રાજ્ય સરકાર દ્વારા આ કાયદો પરત લેવામાં આવશે. નોંધનીય છે કે રાજ્યની વિધાનસભામાં 1 એપ્રિલના રોજ રખડતા ઢોર નિયંત્રણ વિધેયક (પ્રસ્તાવિત કાયદા) પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી રાજ્યમાં આ કાયદાનો અમલ થયો નથી.
ગત રવિવારે અડાલજ ખાતે માલધારી સમાજે કાયદાને લઈને મહાસંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં સમાજના આગેવાનોએ કાયદાનો પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો અને હજી પણ યથાવત છે. આ ઉપરાંત માલધારીઓ આગામી 21મી દૂધ હડતાળની પણ ચીમકી ઉચ્ચારી છે.રાજ્ય સરકારે જ્યારથી આ કાયદો લાવવાની જાહેરાત કરી હતી ત્યારથી માલધારી સમાજ દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
ગુજરાત વિધાનસભામાંથી આ વિધેયક પસાર થયા બાદ તેનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો હતો. નોંધનીય છે કે તે સમયે પણ સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે પણ મુખ્યમંત્રીને કાયદાને મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી.