અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાં શહેરનું સૌથી મોટું જુગારધામ ઝડપાયું છે. આ જુગારધામમાં છેક ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી. જેમાં પોલીસે 92 હજારથી વધુનો મુદ્દામાલ સાથે 15 આરોપીઓ જુગાર રમતા અને રમાડતા પકડ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાણીપ બસ સ્ટેન્ડ પાસે જ છેલ્લા ઘણા સમયથી કુખ્યાત લક્ષ્મણ ઉર્ફે લખાનું જાહેરમાં જુગારનું સ્ટેન્ડ ચાલતું હતું. સ્થાનિક અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચ જેવી એજન્સીઓના અધિકારીઓ પણ તેને નજરઅંદાજ કરતા હોવાથી ધમધમી રહ્યું હોવાનું નકારી શકાય નહીં.રાણીપમાં લખા જુગારધામ તરીકે જાણીતા આટલા મોટા રેકેટને સ્થાનિક પોલીસ તો શોધી ના શકી, પરંતુ ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદ આવીને દરોડા પાડ્યા હતા.
આ જુગારધામમાં કિર્તી અમૃતભાઇ શેઠ, રાજેશ દશરથલાલ સોની, ઘનશ્યામ કાંતિલાલ પટેલ, દિલાવરખાન ભિસ્મિલાખાન પઠાણ અને મહંમદ ઇકબાલ શેખ જુગારના આંક લખતા હતા. જુગારનું સ્ટેન્ડ સાચવનાર બાબુલાલ રણછોડભાઇ સોલંકી સહિત ગ્રાહકોને પોલીસે પકડી પાડ્યા હતા. જુગાર રમતા નાણાં અને મુદ્દામાલ સહીત પોલીસે 92 હજારથી વધુનો મુદ્દામાલ પકડી વધુ તપાસ હાથ ધરી છે.