અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જુદા-જુદા સંગઠનો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલનો કરી સરકાર સામે મોરચો માંડવામાં આવી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં વધુ એક આંદોલન શરૂ થવાના ભણકારા વાગી રહ્યા છે.
અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની જુદી જુદી હાઉસીંગ સોસાયટીઓના રહીશો હાઉસીંગના પ્રશ્નો જેમ કે દસ્તાવેજ, વધારાના બાંધકામના દંડ વગેરે તથા રિડેવલપમેન્ટ પોલીસીમાં ફેરફારને લઈને છેલ્લા કેટલાય સમયથી રજૂઆતો કરવામાં આવી હોવા છતા તેનું નિરાકરણ ન આવ્યું હોવાની રાવ ઉઠી છે.
હાઉસીંગ સોસાયટીઓના રહીશોની માંગોમાં મુખ્યત્વે દસ્તાવેજ, વધારાના બાંધકામના દંડ વગેરે તથા રિડેવલપમેન્ટ પોલીસીમાં ફેરફાર, કાયમી હાઉસીંગ કમિશ્નર વગેરે મુખ્ય માંગો છે. હાઉસીંગ સોસાયટીઓના હોદ્દેદારો અલગ અલગ સ્થળે મળી રહ્યા છે, આગામી રણનીતિ નક્કી કરી રહ્યા છે.
જો ચૂંટણી પહેલા પડતર પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો ચૂંટણીઓમાં બહિષ્કાર, હાઉસીંગમાં પોસ્ટર લગાવી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.જો આગામી દિવસોમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર દેખાવો અને ધરણા પ્રદર્શનો પણ કરવામાં આવશે.