અમદાવાદ : નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય સરકારે મોડી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડવા માટેની મંજૂરી આપી આવી છે. ગરબા આયોજકો નવરાત્રીના 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડી શકશે. આ મામલે રાજ્યના ગૃહમંત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
આ મામલે હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યુ હતુ કે, ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા મા દુર્ગાના મહોત્સવ નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ, આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12.00 વાગ્યા સુધી લાઉડ સ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી 26મી સપ્ટેમ્બરથી નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ગરબા આયોજકો ધામધૂમથી તૈયારી કરી રહ્યા છે. ત્યારે હવે સરકારે પણ 9 દિવસ માટે રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા રમવાની મંજૂરી આપી છે. તેને લઈને ગરબા આયોજકો સહિત ખૈલેયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.