અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 અને 30 સપ્ટેમ્બરના રોજ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS અને BRTSની બસો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં લોકોને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાશે. સૂત્રોના જણાવ્યા મુજબ 29મી સપ્ટેમ્બરના રોજ સાંજે આશરે 400 અને 30મી સપ્ટેમ્બરના રોજ સવારે 800 AMTS અને BRTS બસો આ તમારો માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે જેથી અમદાવાદીઓએ પોતાના નોકરીના સ્થળેથી આવવા અને જવા માટે ખાનગી વાહનો અથવા તો રીક્ષામાં મુસાફરી કરવી પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસ ગુજરાતની મુલાકાતમાં 29મી સપ્ટેમ્બરના રોજ સાંજે મોટેરા ખાતે મોદી સ્ટેડિયમમાં 36મા નેશનલ ગેમ્સ ઉદ્ઘાટન સમારોહમાં તેઓ ભાગ લેશે. જ્યારે 30મી સપ્ટેમ્બરના રોજ સવારે મેટ્રો ટ્રેનનું તેઓ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનના આ બંને કાર્યક્રમમાં લોકોને લાવવા લઈ જવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS અને BRTS બસનો ઉપયોગ કરવામાં આવનાર છે. શહેરના તમામ વિસ્તારમાંથી નાગરિકો ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે જવાના છે જેના કારણે તમામ વિસ્તારમાં બસો ફાળવવામાં આવી છે.