અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી દીધી છે. આ સાથે જ તેમણે મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યુ છે. આ પહેલાં ગાંધીનગરથી તેમણે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. ત્યાંથી જ વંદે ભારત ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન આવ્યાં હતા. મહત્ત્વનું છે કે, બંને ટ્રેનમાં મોદીએ પેસેન્જરને મળતી સુવિધા વિશે નિરીક્ષણ કર્યુ હતુ અને ત્યારબાદ લોકોપાયલટ સાથે વાતચીત પણ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લીલી ઝંડી બતાવી છે. પીએમ મોદી ફેઝ-1ના ઈસ્ટ વેસ્ટ કોરિડોર જે થલતેજથી વસ્ત્રાલ સુધીનો છે તે કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદી મેટ્રોને લીલી ઝંડી બતાવીને કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન ટાવર સુધી મેટ્રોમાં મુસાફરી કરવા નીકળી ગયા છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ મેટ્રોના ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં કુલ 17 સ્ટેશન આવશે. જેમાં શાહપુર, ઘીકાંટા, કાલુપુર રેલવે સ્ટેશન, અને કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન અંડરગ્રાઉન્ડ છે.
અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટનો કુલ ખર્ચ 12 હજાર કરોડથી વધુનો છે. 2014થી અત્યાર સુધી 910 લાખ માનવ દિવસ રોજગારનું સર્જન થયું છે. આ પ્રોજેક્ટમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર અને 126 પ્રવેશ અને નિકાસ પોઈન્ટ છે. મેટ્રોની રાહ જોતા અમદાવારીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. 2 ઓક્ટોબરથી મેટ્રો ટ્રેન અમદાવાદીઓ માટે દોડતી થઈ જશે.