અમદાવાદ : શહેરના નિર્ણયનગર વિસ્તારમાંથી નજર ચુકવી રૂપિયા 6 લાખના બગસરાના દાગીનાની ચોરીનો બનાવ સામે આવ્યો છે.એક પાન પાર્લર પાસે બે અજાણ્યા ઇસમો દ્વારા નજર ચૂકવીને રૂપિયા 6 લાખની કિંમતના બગસરાના દાગીના ભરેલ બેગ લઈને ફરાર થઈ ગયા હતા.વાડજ પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ માણેકચોક ખાતે આવેલ ભવાની ગોલ્ડ ફોર્મિંગ નામની દુકાનમાં નોકરી કરતા સંજયભાઈ પ્રજાપતિ અને અનિલભાઈ પ્રજાપતિ ગઈકાલે સવારે એક્સેસ વાહન પર બગસરાનાં દાગીનાની બે બેગ ભરી નીકળ્યા હતા. અને તેઓ ચાંદલોડિયાથી નિર્ણયનગર તરફ જતા હતા. આ દરમિયાન નિર્ણયનગર ખાતે એક પાન પાર્લર પર બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેઓ સિગરેટ પીવા માટે ઉભા હતા.
નિર્ણયનગર ગરનાળા બાજુથી એક મોટર સાયકલ પર બે અજાણ્યા ઇસમો આવ્યા હતા. જેમાં મોટર સાયકલ ચાલકે હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે પાછળ બેઠેલા ઈસમે ચહેરા પર રૂમાલ બાંધેલો હતો. જેઓ ફરિયાદીની નજર ચૂકવીને રૂપિયા 6 લાખની કિંમતના બગસરાના દાગીના ભરેલ બેગ લઈને ફરાર થઈ ગયા હતા.જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.