અમદાવાદ : ગુજરાતમાં એક તરફ ચૂંટણી એકદમ નજીક આવીને ઉભી છે ત્યાં બીજી તરફ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા મફતની લ્હાણી કરી રહી છે. જોકે, આ સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી અમદાવાદમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો આરંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત ગુજરાતના શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં ભોજન મળશે.ગાંધીનગર અને અમદાવાદમાં 2 મહિનામાં તેનું અમલીકરણ થશે.આગામી સમયમાં રાજ્યભરમાં આ ફૂડ સેન્ટરો ખોલવામાં આવશે.
શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રો અને શ્રમ સન્માન પોર્ટલના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ કાર્યક્રમ અંત્યોદયના વિચારને સાકાર કરતો લોક ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અંત્યોદયથી સર્વોદયના વિચારમંત્રને સાકર કરવા રાજ્ય સરકાર કાર્યરત છે. શ્રમિકો સન્માન સાથે જીવે તે અમારી સરકારનો ધ્યેય છે. લોકો માટે ‘ઘરનું ચણતર’ કરનાર શ્રમિકો માટે રાજ્યમાં અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. જેની પડખે કોઈ નથી, તેની પડખે સરકાર છે. તેવા ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ જ્યાં 50 થી વધુ મજૂરો એક સાથે રહે છે ત્યાં ભોજનની હોમ ડિલિવરી પણ આપવામાં આવશે. સરકાર હોમ ડિલિવરી કેવી રીતે કરશે, તે હજુ સ્પષ્ટ નથી. આ યોજના અંતર્ગત ગુજરાતના શ્રમિકોના માત્ર 5 રૂપિયામાં ભરપેટ પૌષ્ટિક ભોજન મળશે.