અમદાવાદ : અમદાવાદમાં મેટ્રોની બંને લાઈનનો પ્રારંભ થઈ ગયા બાદ હવે શહેરી વિકાસ વિભાગ અમદાવાદ તેમજ તેની આસપાસના કયા વિસ્તારોમાં મેટ્રો સર્વિસ શરુ કરી શકાય તેનો એક્શન પ્લાન બનાવવાની શરુઆત કરી દીધી છે. પીએમ મોદીએ 15 દિવસ પહેલા જ ફેઝ-1નું ઉદ્ઘાટન કર્યું હતું, તે વખતે તેમણે ઉચ્ચ અધિકારીઓને શહેરના કયા-કયા વિસ્તારોને આ સર્વિસથી સાંકળી શકાય તેમ છે તેનો પ્લાન બનાવવાનું પણ સૂચન કર્યું હતું.
અમદાવાદમાં ક્યાં-ક્યાં મેટ્રો સર્વિસ ચાલુ થઈ શકે તેમ છે તેવા વિસ્તારોનું મેપિંગ કરવાની કામગીરી શરુ થઈ ગઈ છે. દિલ્હીની જેમ સમગ્ર અમદાવાદને પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોને મેટ્રોથી સાંકળવાનો સરકારનો પ્લાન છે. આ સિવાય એસજી રોડ તેમજ એસપી રિંગ રોડ અને તેની પણ બહાર વિકસેલા અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોને પણ મેટ્રોથી કનેક્ટ કરાશે, જેમાં સાણંદ, થોળ, કલોલ, કડીનો પણ સમાવેશ થઈ શકે છે, કારણકે અહીંથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ કે ગાંધીનગર રોજેરોજ અપડાઉન કરે છે.
મેટ્રોનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર આગામી બજેટમાં ખાસ ફાળવણી પણ કરી શકે છે. મેટ્રોના નવા કોરિડોરની પણ જાહેરાત થઈ શકે છે. જેના માટે ફંડ પણ જલ્દી ફાળવવામાં આવશે.