અમદાવાદ : આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે ઈટાલિયાનો વિડિયો વાઈરલ થયા બાદ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા પંચે (NCW) આજે બપોરે 12:30 વાગ્યે બોલાવ્યા હતા. ઈટાલિયા હાજર થવા ગયા ત્યારે દિલ્હીમાં તેમની ધરપકડ કરાઈ છે.
ગુજરાત AAPના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસ પહોંચ્યા હતા. પીએમ મોદી સામે અપમાનજક ટિપ્પણીના વાયરલ વીડિયો અંગે જવાબ રજૂ કરવાના હતા. મહિલા આયોગે જવાબ રજૂ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી. મહિલા આયોગ દ્વારા ઈટાલિયાને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. વાયરલ વીડિયો મામલે ગોપાલ ઈટાલિયાને સમન પાઠવાયું હતું.
AAPના ગુજરાત સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ ઈટાલિયાની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં જે સમસ્યાઓ છે તેના પર પૂછાતા સવાલોનો જવાબ આપવાને બદલે ભાજપવાળા ઈટાલિયાનો જૂનો વિડીયો વાયરલ કરીને લોકો પાસે વોટ માગે છે. ભાજપ ઈચ્છે છે કે તેના 27 વર્ષના કુશાસન પર નહીં, પરંતુ ગોપાલ ઈટાલિયાના એક વિડીયો પર થાય.