અમદાવાદ : દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે એવામાં કોરોના વાયરસના સબ વેરિયન્ટે ફરી માથું ઉંચક્યું છે જે ગુજરાતની જનતા માટે માઠા સમાચાર છે. કારણ કે ગુજરાતમાં અમદાવાદમાં દેશનો સૌ પ્રથમ ઓમિક્રોન BF.7નો કેસ નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, ભારત સહિત હવે વિશ્વભરમાં ધીરે-ધીરે કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. લોકો પણ હવે ધૂમધામથી તહેવારો મનાવી રહ્યાં છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં દેશનો સૌ પ્રથમ ઓમિક્રોન BF.7નો કેસ નોંધાયો છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે ઓમિક્રોન વાઈરસનો આ નવો સ્ટ્રેન અત્યંત ચેપી છે. અમદાવાદમાં ડ્રાઈવઈન રોડ પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધમાં આ વાઈરસ જોવા મળ્યો હતો. આ દર્દીને દાખલ કરવાની જરૂર પડી નહોતી. દર્દીની કોઈ વિદેશ હિસ્ટ્રી ન હતી.સાવચેતીના ભાગરૂપે મ્યુનિ.એ દર્દીના પરિવાર અને કોન્ટેક્ટમાં આવેલા 10થી વધુ લોકોની ચિહ્નો આધારિત તપાસ કરી હતી.
લક્ષણ લગભગ પહેલાં જેવા જ છે પરંતુ શરીરમાં દુખાવો અત્યાર સુધી પ્રમુખ સમસ્યા ગણવામાં આવી રહી છે. વિશેષજ્ઞોના અનુસાર દિવાળીની ભીડમાં આ નવા COVID સંસ્કરણની વધુ એક લહેરને ટ્રિગર કરવાની ક્ષમતા છે. એટલા માટે સાવધાની વર્તવાની સલાહ આપતાં લોકોને જરૂરી પગલાં ભરવા જોઇએ. અફસોસ કરવાના બદલે સુરક્ષિત રહેવું જરૂરી છે.