અમદાવાદ : રિટેલ સેક્ટરમાં અમદાવાદનું મહત્ત્વ વધી રહ્યું છે અને ટોચની બ્રાન્ડ્સના આગમન પછી દેશનો સૌથી મોટો શોપિંગ મોલ પણ હવે અમદાવાદમાં જ બનવાનો છે. મળતા રિપોર્ટ મુજબ હાલમાં કોચિનમાં દેશનો સૌથી મોટો મોલ ધરાવતા લુલુ ગ્રૂપની નજર હવે અમદાવાદ પર છે, જ્યાં તે રૂ. 3000 કરોડના રોકાણ સાથે એક શોપિંગ મોલ બનાવશે. કહેવાની જરૂર નથી કે સમગ્ર ભારતમાં આ સૌથી મોટો મોલ હશે. લુલુ ગ્રૂપની માલિકી યુનાઈટેડ આરબ અમિરાત સ્થિત જાણીતા ઉદ્યોગપતિ યુસુફ અલી સંભાળે છે.
અમદાવાદમાં બની રહેલા શોપિંગ મોલમાં દેશવિદેશની તમામ મોટી બ્રાન્ડ્સ હાજર હશે. એક અંદાજ પ્રમાણે લગભગ 300 બ્રાન્ડ્સ આ મોલમાં પોતાના સ્ટોર ખોલશે. આ ઉપરાંત 3000 લોકોની કેપેસિટી સાથે આ મોલમાં એક મલ્ટી-કુઝિન રેસ્ટોરન્ટ, બાળકો માટે એક મનોરંજન સેન્ટર, IMAX સાથે 15 સ્ક્રીનનું મલ્ટિપ્લેક્સ પણ આ મોલમાં હશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં યુએઈમાં રોડ શો કર્યો ત્યારે લુલુ ગ્રૂપ અને ગુજરાત સરકાર વચ્ચે આ શોપિંગ મોલ માટે MoU થયા હતા.
યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) સ્થિત પીઢ ઉદ્યોગપતિ યુસુફ અલીનું લુલુ ગ્રુપના માર્કેટિંગ અને સંપર્ક વિભાગના ડિરેક્ટર વી નંદકુમારે જણાવ્યું હતું કે, તમામ આધુનિક સુવિધાઓ સાથે રૂ. 3,000 કરોડના શોપિંગ મોલનું નિર્માણ આગામી વર્ષની શરૂઆતથી શરૂ થશે. તેમણે કહ્યું કે કોચી (કેરળ) અને લખનૌ (ઉત્તર પ્રદેશ) પછી દેશમાં લુલુ ગ્રુપનો આ ત્રીજો શોપિંગ મોલ હશે.