અમદાવાદ : બાળકીઓને સ્કૂલ વાનમાં મોકલતા વાલીઓએ ખાસ ચેતવાની જરૂર છે. સ્કૂલવાનવાળા વ્યક્તિની તમામ માહિતી વાલીઓએ રાખવી જરૂરી છે. અમદાવાદની એક રેપ્યુટેડ સ્કૂલનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે જાણી તમે પણ ચોંકી જશો. શહેરના આશ્રમ રોડ પર આવેલી એક સ્કૂલમાં નર્સરીમાં અભ્યાસ કરતી 3.5 વર્ષની બાળકી સાથે સ્કૂલવાનનો ડ્રાઇવર શારીરિક અડપલાં કરતો હતો. આ અંગે બાળકીએ માતા-પિતાને જાણ કરી હતી. વધુમાં ડ્રાઇવરના અડપલાંથી તંગ આવીને આ બાળકી સ્કૂલે જવાની પણ ના પાડતી હતી.
આ અંગે તેના માતા-પિતાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સ્કૂલ વાનના ચાલક વિપુલ સુરેશભાઈ ઠાકોર (ઉ.વ.28, રહે. ઘાટલોડિયા) વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વિપુલ છેલ્લા 2 મહિનાથી આ અડપલાં કરતો હોવાનું પણ બાળકીએ માતા-પિતાને જણાવ્યું હતું.
આરોપી વિપુલની માનસિકતા એટલી હદે વિકૃત છે કે તે બાળકીને ફોનમાં બીભત્સ કલીપ બતાવતો હતો. બાદમાં તેને અડપલાં કરી છેડતી કરતો હતો. આટલું જ નહીં, આરોપીએ બાળકીના શરીરના ગુપ્ત ભાગો પર અડપલાં કરતા તેની તબિયત પણ ખરાબ થઈ હતી. આરોપીએ છેડતી કરતા બાળકી એટલી હદે ગભરાઈ ગઈ કે તેને તાવ આવવા લાગ્યો હતો. જેથી તેના માતા પિતાએ તેને ડોકટર પાસે લઈ જઈ દવા કરાવી હતી. બાળકીને માનસિક એટલી અસર થઈ ગઈ કે, તેને આ બાબતે પૂછવાની પણ તેના માતા પિતાને ડોક્ટરે મનાઈ કરી દીધી.