અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં ભાજપનું કેન્દ્રિય અને પ્રદેશ નેતૃત્વ કાર્યકરો સાથે દિવાળી પર્વ મનાવશે. છેલ્લા 2 મહિનાથી સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર કરી રહ્યા હતા. હવે દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન પણ ભાજપનું શીર્ષષ્ઠ નેતૃત્વ કાર્યકરો વચ્ચે રહેશે.
એક તરફ પ્રજા માટે વિકાસ કાર્યોની ભેટ પીએમ મોદી આપી રહ્યા છે, તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ કાર્યકરો અને નેતાઓ વચ્ચે સમય વિતાવી રહ્યા છે. ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ તથા નેતાઓને યોગ્ય માર્ગદર્શન આપવા માટે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેઓ 26 ઓક્ટોબર સુધી રાજ્યમાં જ રહેશે અને અહીં દિવાળી પણ ઉજવશે. નોંધનીય છે કે તેમના આ પ્રવાસ પાછળનો મુખ્ય હેતુ ચૂંટણીલક્ષી તૈયારીઓનું અવલોકન કરી અંતિમ ઓપ આપવા પર રહેશે.