અમદાવાદ : ગુજરાતમાં ચુંટણી પહેલા પક્ષપલટો જોવા મળી રહ્યો છે. જેનું સૌથી વધુ નુકશાન કોંગ્રેસમાં થતું હોય તેવું જોવા મળી રહ્યું છે. ઘણા કોંગ્રેસ દિગ્ગજ નેતાઓ હાલ પક્ષપલટો અથવા રાજીનામાં તરફ વળી રહ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દેનારા અમદાવાદ શહેર આગેવાન નીતિન પટેલે ભાજપમાં જોડાય તેવા સંકેતો આપ્યા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ફોટોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા હોવાના બેનરોમાં નીતિન પટેલનો ફોટો જોવા મળતા ચકચાર મચી જવા પામી છે. નીતિન પટેલ કોંગ્રેસમાં આગળ પડતા આગેવાનોમાંથી એક હતા, ત્યારે તાજેતરમાં જ રાજીનામુ આપી આ પ્રકારે પોસ્ટરોમાં જોવા મળતા રાજકીય વર્તુળોમાં તેઓ ભાજપમાં જોડાશેની ચર્ચાએ વેગ પકડ્યો છે.