અમદાવાદ : દિવાળીએ અમદાવાદમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો છે. મોટેરામાં અંજલી જલેવર્સમાં કરોડો રૂપિયાની લૂંટનો બનાવ છે. જવેલર્સમાં કામ કરતા કર્મચારીઓએ માલિકને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. બંને કર્મચારીઓ દુકાનમાં રહેલ કરોડો રૂપિયાના દાગીના લઈ ફરાર થયા હતા. ત્યારે ચાંદખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી FSLની મદદ લઇ વધુ તપાસ શરૂ કરી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, મોટેરા વિસ્તારમાં આવેલા અંજલિ જ્વેલર્સમાં ત્રણ કિલો સોનાની લૂંટ ચલાવવામાં આવી છે. જ્વેલર્સના શેઠ સ્ટ્રોંગ રૂમમાં સોનાના દાગીના અને બિસ્કિટ મૂકવા જઇ રહ્યા હતા, ત્યારે જ ત્યાં કામ કરતાં બે કર્મચારી ત્યાં આવ્યા હતા અને શેઠને સ્ટ્રોંગ રૂમમાં પૂરી દીધા હતા. આ બન્ને કર્મચારીઓએ લગભગ ત્રણ કિલો સોનાની લૂંટ ચલાવી હતી. આટલું જ નહીં, જ્વેલર્સમાં પડેલી પાંચ લાખ જેટલી રોકડ પણ તેમણે ચોરી હતી. ચોરીનો આંકડો દોઢ કરોડની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માલિક મહેશ શાહે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ વણઝારાએ જણાવ્યું કે, માલિકને બંધક બનાવનાર બે કર્મચારી સુનિલ ઝાલા અને ચિરાગ બારોટ છે. સુનિલ ઝાલા મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે અને ચિરાગ મૂળ મહેસાણાનો વતની છે. સુનિલ પાંચ વર્ષથી જ્વેલરી શોરૂમમાં નોકરી કરે છે અને ચિરાગ એક વર્ષથી નોકરી કરે છે. તેઓએ દુકાનમાંથી આશરે 3 કિલો સોનાના દાગીના અને 5 લાખ રોકડાની લૂંટ કરી છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.