અમદાવાદ : દિવાળીની રાત્રે અમદાવાદના ભરચક કહેવાય તેવા સિંધુ ભવન રોડ પર કેટલાક નબીરાઓ દ્વારા જાહેર રસ્તા વચ્ચે ચાલુ ગાડીએ, ગાડી ઉપર બેસીને તથા રોડ-રસ્તા બંધ કરીને યુવકોએ બેફામ ફટાકડા ફોડ્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા વાઈરલ થયા હતા. આ સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં નવ નબીરાઓની ધરપકડ કરીને જે જગ્યાએ ફટાકડા ફોડ્યા હતા તે જગ્યા પર લાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
દિવાળીની રાતે જાહેર રોડ પર ફટાકડા ફોડી સિંધુભવન રોડને બાનમા લેનાર 9 યુવકોની સરખેજ પોલીસે ધરપકડ કરી સાથે જ આરોપીઓને સાથે રાખી સ્થળ પંચનામું કરાવી કાયદાનું ભાન કરાવ્યું છે. આરોપીઓ દ્વારા જાહેર રોડ પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડીને વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા. જેમાં ગાડીની છત પર તથા અન્ય વાહન ચાલકોને તકલીફ પડે અને અકસ્માત થાય તે રીતે ફટાકડા ફોડી જાહેર રોડ પર અયોગ્ય વર્તન પણ કરતા હતા.
ઉલ્લેખનીય છે કે, સરખેજ પોલીસે હર્ષદ ગરાંભા, યશવંત ગરાંભા, હિતેશ ઠાકોર, સાહિલ કુરેશી, અસદ મેમણ, સમીર શેખ સહિત અન્ય ત્રણ યુવકોની ધરપકડ કરી છે. સાથે જ ગુનામાં વપરાયેલ બે ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે. તો બીજી તરફ બનાવ સમયે આરોપીઓએ નશાનું સેવન કર્યું હતું કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ આરોપીઓની વિરુદ્ધ ipc ની કલમ 308, 286, 279 નો પણ ઉમેરો કરવામા આવ્યો હોવાનું ઝોન 7 ડીસીપી બી.યુ જાડેજા અને એમ ડીવીઝન એસીપી એસ.ડી પટેલે જણાવ્યું છે.