અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિયા આજે શરૂ થઈ છે. ભાજપનો ગઢ ગણાતી નારણપુરા સહીત અમદાવાદની વિધાનસભા બેઠકો માટે ભાજપના 6 નિરીક્ષકો દ્વારા સવારથી સેન્સ લેવામાં આવી રહી છે.
પશ્ચિમ વિસ્તારમાં વિધાનસભા માટે સાયન્સ સિટી આર. કે. રોયલ ખાતે સેન્સ લેવાઈ રહી છે.અસારવા વિધાનસભા બેઠક માટેની સેન્સ લેવાઇ હતી. જેમાં નારણપુરા બેઠક માટે પૂર્વ મેયર ગૌતમ શાહ, વર્તમાન ડે મેયર ગીતાબેન પટેલ, શહેર મહામંત્રી જીતુ ભગત સહીત 25 થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી છે. આ 25 લોકોમાં હોદેદારો, વર્તમાન કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરોએ પણ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ ઘાટલોડિયા બેઠક પર એક માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ દાવેદાર છે. તેમના નામનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરાયો હતો.
પશ્ચિમ વિસ્તારમાં આવેલી સાબરમતી અને વેજલપુર વિધાનસભા બેઠકો માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સાબરમતી બેઠક ઉપર ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિતના દાવેદરોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા. સાબરમતી બેઠક ઉપર 10 થી 12 લોકોએ દાવેદારી નોંધાવી છે. જ્યારે વેજલપુર બેઠક ઉપર 15 થી વધુ દાવેદારો સેન્સમાં હાજર રહ્યા હતાં. વેજલપુર બેઠક માટે વર્તમાન ધારાસભ્ય કિશોર ચૌહાણ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ, અમિત ઠાકર અને સંગઠનના હોદેદારો સહિત 15 જેટલા દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા.