અમદાવાદ : દિવાળી એટલે ઉત્સાહ, ઉમંગ, ઉપહાર, પ્રકાશનું પર્વ. દરેકના ચહેરા પર સ્મિત સાથે ઉજવણી કરાવતા તહેવારને ઉજવવાની સૌની અનોખી રીત હોય છે. ત્યારે અમદાવાદ શહેરની ગણેશ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આ પર્વ દરમ્યાન શહેરના ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોના ઘરમાં પ્રકાશ ફેલાવવાનો એક પ્રયાસ કરી દિવાળીની અનોખી ઉજવણી કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી ગણેશ વિદ્યાલયના ટ્રસ્ટીએ વિદ્યાર્થીઓમાં સેવાકીય વૃતિ જન્મે તે માટે એક નવતર પ્રયોગ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને જુના તેમજ ઉપયોગમાં ન લેવાતા હોય એવા કપડા ભેગા કરવાનો ટાસ્ક સોંપવામાં આવ્યો હતો.આ ટાસ્કમાં શાળાના વિદ્યાર્થીઓએ પુરુષ, બાળકો અને સ્ત્રીઓ પહેરી શકે એવા કુલ 2200 કપડા ભેગા કર્યા હતા. તે માટે શાળાના વિદ્યાર્થીઓએ તેમના ઘરની આજુબાજુમાં વિસ્તારમાં ફરીને ભેગા કરીને જરૂરીયાતમંદ પરિવાર સુધી પહોંચાડ્યા હતા.
સાથે સાથે શાળાના ટ્રસ્ટીએ પણ આવા ગરીબ અને જરૂરીયાતમંદ વ્યક્તિઓ સારી રીતે દિવાળી ઉજવી શકે તે માટે મિઠાઈ અને ફટાકડાની એક કીટ પણ તૈયાર કરી હતી. જેને શાળાના બાળકોએ ગરીબ પરિવારો સુધી પહોંચાડી હતી.શહેરની ગણેશ વિદ્યાલયના ટ્રસ્ટી અને વિદ્યાર્થીઓની આ મહેનત અને સેવાકીય પ્રવૃત્તિના કારણે દિવાળીના પર્વ દરમ્યાન અનેક જરૂરીયાતમંદ પરિવાર સુધી પહેરવા લાયક કપડા અને મિઠાઈ પહોંચી છે. આ બાળકોની આ મહેનત અને પ્રયાસ તમામ યુવાનો માટે પ્રેરણાદાયક છે.